કચ્છ (ભુજ ),તા.૫

કચ્છના ભચાઉમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવો હત્યાનો બનાવ સામે આવ્યો છે. ભચાઉના માંડવીવાસમાં એકલા જ રહેતા ૮૭ વર્ષીય મીઠીબેન આનંદા ગાલા શુક્રવારે પોતાના ઘરે જાેવા ન મળતા આસપાસના લોકોએ સમાજના આગેવાનોને જાણ કરી હતી અને ત્યારબાદ આગેવાનોએ પોલીસને જાણ કરતા પોલીસે શોધખોળ હાથ ધરી હતી. પોલીસે તપાસ કરતા વૃદ્ધાના ઘરમાંથી એક બુકાનીધારી ઈસમ મોટી ટ્રોલી બેગ લઈને જતો જાેવા મળ્યો હતો. જેથી અનેક તર્કવિતર્કો સર્જાયા હતા. વૃદ્ધાના ઘરમાંથી ટ્રોલીબેગ લઈને જે યુવક નીકળ્યો હતો તે ભચાઉના વોંધડા ગામના સરપંચ ગણેશ અરજણ છાંગાનો ૨૧ વર્ષીય પુત્ર રાજેશ છાંગા હોવાનું સામે આવ્યું હતું. જેને અટકમાં લઈ પોલીસે પૂછપરછ કરતા રાજેશ છાંગાએ જ મીઠીબેનની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું અને લાશ સાથેની બેગ ભચાઉના વિશાળ કોમ્પલેક્સમાં આવેલી પોતાની દુકાનમાં રાખી હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે દુકાન પર પહોંચતા ટ્રોલી બેગમાંથી મીઠીબેનની લાશ મળી આવી હતી. પોલીસનું માનીએ તો હત્યાને અંજામ આપનાર રાજુ પોતાના ગામની જ અને કુંટુબની રાધિકા નામની છોકરી સાથે લગ્ન કરવા માગતો હતો. પરંતુ, આ લગ્ન સામાજિક દ્રષ્ટિએ શક્ય ન હતા. પરંતુ, રાજુ અને રાધિકા અલગ થવા તૈયાર ન હતા. જેથી રાધિકાએ આત્મહત્યા કરી હોવાની સ્ટોરી ઘડી કાઢી તેને ગુમ કરી દેવાનો પ્લાન ઘઢી કાઢ્યો હતો. રાધિકાએ સળગી જઈ આત્મહત્યા કરી લીધી હોવાનુ પ્રસ્થાપિત કરી શકાય તે માટે રાજુએ હાડકા એકત્ર કરવાનો પ્લાન ઘડ્યો હતો. જેના માટે તે થોડા દિવસ પહેલા સમાખિયાળી પાસે આવેલા એક કબ્રસ્તાનમાં પહોંચ્યો હતો અને કબર ખોદીને હાડકા શોધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, અહીં હાડકા હાથ લાગ્યા ન હતા. રાજુને કબ્રસ્તાનમાંથી હાડકા ન મળતા તેને રાધિકાના જ કદ કાઢીની મહિલાની શોધખોળ શરૂ કરી હતી. આ શોધખોળ દરમિયાન તેની નજર ભચાઉના માંડવીવાસમાં રહેતા જેઠીબેન પર પડી હતી. જેઠીબેન એકલા જ રહેતા હોય રાજુએ તેમને ત્યાં જઈ મકાન ભાડે લેવાની વાત કરી હતી. ત્યારબાદ શુક્રવારે રાત્રિના સમયે રાજુ ટ્રોલીબેગ લઈને જેઠીબેનના ઘરે પહોંચ્યો હતો. જ્યાં રાત્રિના સમયે જેઠીબેનની હત્યા નિપજાવી લાશનો ટ્રોલીબેગમાં લઈ નીકળી ગયો હતો. રાજુએ રાત્રિના સમયે જેઠીબેનની લાશને ટ્રોલીબેગમાં લઈ જઈ પોતાની દુકાનમાં રાખી દીધી હતી. પરંતુ, બીજા દિવસે જેઠીબેન ગુમ થયાની જાણ થતા પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરાઈ હોય તે લાશને સળગાવી શક્યો ન હતો. તો બીજી તરફ પોલીસના હાથે સીસીટીવી લાગી જતા રાજુની સ્ટોરી પૂરી થાય તે પહેલા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.