ભાવનગર-

દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના સામે લડવા માટે વેક્સીન એકમાત્ર હથિયાર છે. ત્યારે યુનિ.ની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો હતો. ભાવનગર યુનિવર્સિટી કોરોનાની રસી લેનાર વિદ્યાર્થીને ૫ માર્કનું ગ્રેસિંગ આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થી ઇન્ટર્નલ પરીક્ષામાં નાપાસ થયો હશે અને રસી લીધી હશે તો પણ ગ્રેસિંગનો લાભ મળશે.

ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ જે વિદ્યાર્થી ઇન્ટર્નલ પરીક્ષામાં નાપાસ થયા હોય અને કોરોનાની રસી લીધી હોય તો તેવા વિદ્યાર્થીઓએ પ્રમાણપત્રની સાથેની અરજી નિયામકને આપવાની રહેશે. કોરોનાની રસીનું પ્રમાણપત્ર હશે તેને જ ગ્રેસિંગમાં પાંચ માર્ક્સનો લાભ આપવામાં આવશે. ૨૦૧૩ પછીના વિદ્યાર્થીની પરીક્ષા લેવા કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૩ પછીના કિસ્સામાં વિદ્યાર્થીઓ માટે ખાસ કિસ્સામાં પરીક્ષા લેવા માટે કમિટીની રચના કરવામાં આવી હતી. એપ્રેન્ટિસની ભરતી માટે લેવાયેલી પરીક્ષાનું સીલબંધ કવર પણ ખોલવામાં આવ્યું હતું. સ્વર્ણિમ ગુજરાત સ્પોટ્‌ર્સ યુનિ. તેમજ અન્ય નેશનલ કે ઇન્ટરનેશનલ સંસ્થાઓ સાથે એમઓયુ કરવા માટે ત્રણ સભ્યની કમિટિની રચના કરવામાં આવી હતી.