ભાવનગર, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરવાથી થતાં નુકશાન અને ઉભી થનાર કાયદાકીય જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપવા માટે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ભાવનગર મહાનગરપાલિકાનાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનાં સંયુક્ત ઉપક્રમે એક માર્ગદર્શન સેમિનારનું આયોજન ચેમ્બર હોલ ખાતે કરાયું જેમાં સૌરાષ્ટ્ર ચેમ્બરના પ્રમુખ કિરીટભાઈ સોનીએ જણાવેલ કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા અંગેનો જે કાયદો છે તેનું અર્થઘટન સૌ સમજીએ અને તેનું પાલન કરીએ. નાયબ મ્યુનિસિપલ કમિશનર ડી. એમ. ગોહિલે જણાવેલ કે પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે સૌ કોઈએ જાગૃતિ કેળવવી જાેઈએ. સૌએ આ કામ પોતાનું છે તેમ માનીને કરવું જાેઈએ. જાે દરેક વ્યક્તિ જવાબદારી સમજે તો સમસ્યા નહી રહે. સૌરાષ્ટ્ર ચેમ્બરના માનદ્દ મંત્રી કેતનભાઈ મેહતાએ કાર્યક્રમની પૂર્વ-ભૂમિકા આપી હતી. મ્યુ. સોલીડ વેસ્ટ વિભાગનાં કાર્યપાલક ઈજનેર જે. એમ. સોમપુરાએ જણાવ્યું હતુ કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનાં કારણે ખુબ જ પ્રદુષણ થાય છે અને ગાય કે અન્ય પશુઓ ખાય છે તેના કારણે આ પશુઓને પણ નુકશાન થાય છે. આ રીતે પ્લાસ્ટિક ધીમે ધીમે દુષણ થતું જાય છે. શહેરી વિસ્તારમાં સરકારી નિયમ મુજબ ૭૫ એમ.એમ.થી નીચેનું પ્લાસ્ટિક વાપરવું પ્રતિબંધિત છે. આજે સૌ વેપારીઓ ભેગા મળી સંકલ્પ કરે કે ૭૫ એમ.એમ. થી નીચેના પ્લાસ્ટિક બેગનો વપરાશ નહિ કરીએ તો ગ્રાહકોને થેલી લઈને ખરીદી કરવા આવવું પડશે જેથી ઝબલાનું દુષણ નાબુદ થશે. બાદ પ્રશ્નોત્તરી રાખવામાં આવેલ જેમાં શહેરીજનોએ અને વેપારીઓએ મુંઝવતાં પ્રશ્નો રજુ કરેલ તેના સંદર્ભમાં ઉપસ્થિત બન્ને અધિકારીઓએ માર્ગદર્શન આપેલ. આ પ્રસંગે સૌરાષ્ટ્ર ચેમ્બરના હોદ્દેદારો, મેનેજીંગ કમિટીના સભ્યો, વિ. ઉપસ્થિત રહ્યાં હતા. સંચાલન મિતેશભાઇ પટેલે અને આભારવિધિ નીતિનભાઈ પટેલે કરી હતી.