વડોદરા,તા.૨૯, 

કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને વેપાર ઉદ્યોગ ઠપ્પ થઇ ગયા છે. ત્યારે એને લઈને સર્જાયેલ બેરોજગારીને કારણે આર્થિક ભીડમાં મૂકાયેલાઓએ લોનના નાણાં લેવા માટેના ફોર્મ મેળવવાને માટે કોરોનાનો ભય વિસરીને પાલિકાની વોર્ડ કચેરીએ લાઈનો લગાવી દીધી હતી. પાલિકાની વોર્ડ-૧૧ની કચેરીએ શ્રમજીવી લોન યોજનાના ફોર્મ લેવા ભારે ધસારો થયો હતો. જેને લઈને પાલિકાની કચેરીએ જ સોશ્યલ ડીસ્ટન્સ ન જળવાતા એના ઉડેલા ધજાગરાનો અધિકારીઓએ તમાસો જોયો હતો.

પાલિકાની વિવિધ વોર્ડની કચેરીએ આ શ્રમજીવી લોનના ફોર્મ મેળવવાને માટે થયેલા ધસારા જોયા પછીથી પણ પાલિકાનું તંત્ર આ બાબતને લઈને જાણે કે, કોઈ પદાર્થપાઠ શીખ્યું ન હોય એમ વધુ એક વોર્ડની કચેરી પાર લોનના ફોર્મ લેવાને માટે ભારે માત્રામાં ભીડ એકત્ર થઇ હતી. પાલિકાની વોર્ડ ઓફિસના સટાફ અને અધિકારીઓ દ્વારા પૂરતી સુવિધાઓ અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે એને લઈને કોઈપણ પરાજકારની સુવિધાઓ કે માર્કિંગ ન કરાતા લોનના ફોર્મ લેવા આવનારાઓએ એકબીજાને અડીને હક્કાડેઠઠ ભીડ જમાવીને લાંબી લાંબી લાઈનો લગાવી હતી.

એકબીજાને અડોઅડ અડીને લગાવેલી લાઈનોને કારણે ભારે અરાજકતા ફેલાવા પામી હતી. તેમ છતાં પાલિકાની વોર્ડ ઓફિસના અધિકારીઓ અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નહોતા. આ કારણસર જાણે કે પાલિકાના તંત્રને જ કોરોનાનું સંક્રમણ વધે એમાં જ રસ હોય એવી ચર્ચાઓ વોર્ડ ઓફિસની મુલાકાતે આવનાર નાગરિકોમાં થતી જોવા મળી હતી.