વ્યારા-

વ્યારાનાં વિરપુર ગામમાંથી એક યુવક મહેશભાઈ ગામીત તેમના ઘરમાંથી જ મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે મૃતકની પત્નીએ પોલીસને જણાવ્યું હતું કે, તેના પતિએ ગળેફાંસો ખાઇ લીધો છે. વ્યારા પોલીસને આ ઘટનામાં પત્ની પર પણ શંકા ગઇ હતી જેથી વધુ તપાસ હાથ ધરી હતી. જાેકે, આ ઘટના સામે આવતા આખા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.આ અંગે મળતી માહિતી પ્રમાણે, વ્યારાના વિરપુર ગામમાં ૪૦ વર્ષનાં મહેશભાઈ પ્રભુભાઈ ગામીત અને તેમની પત્ની શર્મીલાબેન ગામીત રહેતા હતા. શર્મીલાબેન અને મહેશભાઈને છેલ્લા ઘણાં સમયથી અવાર નવાર ઝઘડા ચાલતા હતા. ત્યારે ગત ૧૮ મી જૂનના રોજ બપોરે ૧૨ વાગ્યાની આસપાસ શર્મીલાબેન અને મહેશભાઈ વચ્ચે જમવા જેવી નાનકડી બાબતે બોલાચાલી થઈ હતી. જે દરમિયાન શર્મીલાબેન વાંસની લાકડીથી મહેશભાઈના જમણા પગમાં માર્યું હતું.
જે બાદ બપોરના ચાર વાગ્યાની આસપાસ મહેશભાઈ ઘરના નળીયાના લાકડા પર બાંધેલા દોરડા વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યા હતા. શર્મીલાબેનના જણાવ્યા પ્રમાણે, તેમણે મહેશભાઇને દોરડું તોડી નીચે ઉતારીને પલંગ પર સુવડાવી દીધા હતા. તેમજ મહેશભાઈને સારવાર માટે ક્યાંક ન લઇ ગયા હતા. જેને કારણે મહેશભાઈનું મોત નીપજ્યું હતું.

આ બનાવની જાણ થતા નાનીચીખલી જુથ ગ્રામ પંચાયતના ઉપસરપંચ વિપુલભાઈ ચૌધરીએ વ્યારા પોલીસમાં મહેશભાઈની પત્ની શર્મીલાબેન ગામીત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પત્ની શર્મિલા વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરતા આખો પ્લાન સામે આવ્યો હતો.આ સાથે પીએમ રિપોર્ટમાં પણ મહેશભાઇની હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતુ..પોલીસે પૂછતાછમાં આરોપી મહિલા જણાવ્યું કે, તેનો પતિ તેની સાથે અવારનવાર ઝઘડો કરતો હતો જેથી તે થાકી ગઇ હતી. જેથી ગુસ્સામાં તેની પીઠ પર બેસી જઇ ઓઢણીના ટુકડા વડે ગળે ટૂંપો આપી તેમનું મોત નીપજાવ્યું હતું.