વડોદરા

ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં હિમાલયમાંથી ફૂંકાતા બર્ફિલા પવનની સીધી અસર હેઠળ ગુજરાતમાં પણ ઉત્તર તરફથી ઠંડા પવન ફૂંકાતાં ફરી એકવાર કાતિલ ઠંડીનો સપાટો ફરી વળ્યો છે. આજે ઉત્તર તરફથી ૧૫ કિ.મી.ની ઝડપે બર્ફિલા પવન ફૂંકાવાની સાથે તાપમાનનો પારો ૧૧.૨ ડિગ્રી થતાં તીવ્ર ઠંડીના સપાટાથી નગરજનો ઠૂંઠવાયા હતા.

હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજે મહત્તમ તાપમાન ૨૭.૩ ડિગ્રી સેન્ટીગ્રેડ અને લઘુતમ તાપમાન ૧૧.૨ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ ૬૯ ટકા જે સાંજે ૩૬ ટકા અને હવાનું દબાણ ૧૦૧૩.૨ મિલિબાર્સ અને ઉત્તર-પૂર્વ તરફ ફૂંકાયેલા પવનની ગતિ પ્રતિકલાકના ૧૫ કિ.મી. નોંધાઈ હતી. આમ ફરી એકવાર ફૂલગુલાબી ઠંડીના સપાટાને પગલે શહેરનું સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે અને દિવસ દરમિયાન લોકો ગરમ વસ્ત્રો પહેરીને ફરતા જાેવા મળ્યા હતા. છેલ્લા પાંચ દિવસથી ફરી કાતિલ ઠંડીના સપાટાને પગલે ફૂટપાથ પર રહેતા શ્રમજીવીઓની હાલત કફોડી બની છે. ઠંડીથી કમાટીબાગના પશુ-પક્ષીઓને રાહત મળે તે માટે ઝૂના સત્તાધીશો દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.