સુરત,તા,૩૧ 

પાલિકા દ્વારા હીરા ઉદ્યોગ માટે નવી ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે.જેમાં હીરા બજારના કામકાજના સમયમાં વધુ બે કલાકનો વધારો કરાયો છે.તેની સાથે એક ઘંટી પર બે રત્નકલાકારો કામ કરી શકશે.પહેલી ઓગસ્ટથી હીરા બજાર બપોરે ૧૨થી સાંજના ૬ સુધી ખુલ્લા રહશે.રત્નકલાકારોને નિયમનો આધારે છૂટ મળતાં હીરા ઉદ્યોગકારોમાં રાહત છવાઈ ગઇ છે. કોરોના સંક્રમણ વધતાં હીરા ઉદ્યોગને બંધ કરી દેવાયા બાદ ફરીથી શરૂ કરવામાં આવ્યો છે.

જો કે, ગાઈડલાઈન પ્રમાણે હીરા બજાર માત્ર ચાર કલાક માટે જ ખુલ્લી રાખવામાં આવતી હતી.ત્યારે હવે, પહેલી ઓગસ્ટથી નવી ગાઈડ લાઈન પ્રમાણે પાલિકા દ્વારા બે કલાકનો વધારો કર્યો છે. જેથી હીરા બજાર બપોરના ૧૨ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવી શકાશે. સાથે જ ગાઈડલાઈનના ચુસ્ત અમલ સાથે હીરાના કારખાનામાં એક ઘંટી પર બે રત્નકલાકારો કામ કરી શકશે તેમ પણ જાહેર કરવામાં આવ્યું છે.જીજેઈપીસીના રિજનલ ચેરમેન દિનેશભાઈ નાવડીયાએ કહ્યું હતું કે, હીરાના કારખાનામાં એક ઘંટી પર એક રત્નકલાકારને કામ પર બેસવા દેવાની પાલિકા તરફથી મંજૂરી આપવામાં આવી હતી. તેના બદલે હવે બીજા રત્નકલાકાર કોરોના વાઈરસથી સંક્રમિત થયા બાદ સાજો થયો હોય અથવા જે રત્નકલાકારને ડાયમંડ યુનિટ દ્વારા પોતાના ખર્ચે કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેનામાં કોરોનાના લક્ષણ ન હોય તો એક ઘંટી પર બીજા રત્નકલાકારને બેસાડી શકાશે.

હીરા ઉદ્યોગકાર બાબુબાઈ પટેલએ જણાવ્યું હતું કે, અમારી માંગ હતી કે,હીરા બજારને ૧૦થી ૬ શરૂ રાખવાની મંજૂરી અપાય તથા રત્નકલાકારોને ઘંટી પર વધુ સંખ્યામાં બેસાડવામાં દેવામાં આવે. આ માંગને સ્વિકારવામાં આવતાં હીરા ઉદ્યોગકારોને રાહત થઈ છે. જેથી થોડા સમયમાં ફરીથી ઉદ્યોગ પાટે ચડે તેવી આશા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે હીરા બજારમાં ખૂબ જ મંદી છવાઇ ગઇ હોવાથી ચિંતાનો માહોલ છવાઇ ગયો હતો. હજુ પણ કોરોનાનો કહેર યથાવત છે.