01, જાન્યુઆરી 2021
ભાવનગર-
મુસાફરોના આકર્ષણનું કેન્દ્ર ગણાતા ક્રૂઝ જહાજાેની માઠી બેઠી હોય તે રીતે એક પછી એક શિપ ભંગાણાર્થે મોકલવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં કર્ણિકા અલંગમાં ભંગાવા માટે આવી ચૂક્યું છે, ૧૫મી જાન્યુઆરીએ ગ્રાન્ડ સેલિબ્રેશન ક્રૂઝ શિપ આવી રહ્યું છે, અને બાદમાં વિશ્વનું પ્રથમ ક્રિપ્ટો ક્રૂઝ શિપ અને કર્ણિકાનું સિસ્ટર શિપ પેસિફિક ડોન (સટોશી) અલંગમાં ભંગાવા માટે આવશે. જીબ્રાલ્ટરથી પોતાની અંતિમ સફરે નિકળેલા સટોશી ક્રૂઝ જહાજમાં ૨૦૦૦ મુસાફરનો સમાવેશ કરવાની ક્ષમતા છે.
જહાજના મૂળ માલિકને આ જહાજને તરતા સિટીમાં તબદીલ કરવાની યોજના હતી, પરંતુ મુસાફરો માટેના વીમાના પ્રશ્નો સર્જાતાં આ જહાજ માટેની ભવિષ્યની યોજનાઓ પડતી મૂકવામાં આવી હતી અને આ જહાજ વેચી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અલંગ શિપબ્રેકિંગ યાર્ડની અંતિમ સફરે નીકળેલા સટોશી ક્રૂઝ જહાજ માટે અંતિમ ખરીદનારની શોધ ચાલી રહી છે. પરંતુ એ જીબ્રાલ્ટરથી અલંગ આવવા નીકળી ચૂક્યું છે. આ જહાજ કર્ણિકાનું સિસ્ટર શિપ છે. ઉપરાંત ૧૫મી જાન્યુઆરી ૨૦૨૧ના રોજ અલંગમાં ગ્રાન્ડ સેલિબ્રેશન નામનું ક્રૂઝ શિપ પણ ભંગાવા માટે આવી રહ્યું છે. આમ, અલંગમાં જહાજાેના ધમધમાટ વચ્ચે આકર્ષણના કેન્દ્ર સમાન ક્રૂઝ જહાજાે પણ આવી રહ્યા છે.