વડોદરા, તા.૨૩

વિશ્વના પ્રથમ ભાગવત કથાવાચક કિન્નર મહામંડલેશ્વર હેમાંગી સખીમા વડોદરાની મુલાકાતે આવ્યા હતા. તેઓ નિર્મોહી અખાડા અને નેપાળ પશપતિ પીઠથી જાેડાયેલા છે. તેમને પત્રકાર પરિષદમાં પત્રકારોને જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપા પ્રદેશમંત્રીને ગુજરાતના કિન્નરોના ઉત્થાન માટે કિન્નર કલ્યાણ બોર્ડ બનાવવાની રજુઆત કરશે.

મૂળ વડોદરાના પંચાલ પરીવારના વિશ્વના પ્રથમ કથાકાર મહામંડલેશ્વર હેમાંગી સખીમા વડોદરાની મુલાકાતે આવ્યા બાદ તેઓ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓ દ્વારા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરતા જણાવ્યું હતું કેે, ગુજરાતમાં કિન્નર સમાજના ઉત્થાન માટે તેઓ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષને કિન્નર કલ્યાણ બોર્ડ શરુ કરવા માટે રજુઆત કરશે. આ બોર્ડના કારણે ગુજરાતના તમામ કિન્નરોને કોઈ પણ પ્રકારના પ્રશ્નોનું આ બોર્ડ દ્વારા નિરાકરણ આવી શકશે. તે સિવાય તેઓએ કિન્નરોને સરકારી ભરતીઓમાં અનામત આપવા માટેની માંગ કરી હતી.જેથી કિન્નરો પણ આઈ.એસ. અધિકારી , પોલીસ વગેેરે સરકારી ભરતીઓમાં સ્થાન મેળવી શકે. આ બાબતે તેઓ ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યમાં પણ રજૂઆત કરશે. તેઓએ તેમની માંગ સિવાય ગુજરાતમાં વિવિધ શહેરોમાં તેમજ ખાસ વડોદરામાં કથા કરવા માટેનું ભવ્ય આયોજન કરી રહ્યા છે. તેમની જન્મ સ્થળ પણ વડોદરા હોવાથી પારિવારીક પ્રસંગ નિમિત્તે તેઓ ત્રીસ વર્ષ બાદ વડોદરા ખાતે આવ્યા છે.