જામનગર, જામનગરના ધુંવાવ નાકા વિસ્તારમાં રહેતા એક યુવાન ની પૂર્વ આયોજિત કાવતરું ઘડી ખીમલીયા સીમ વિસ્તારમાં છરી તેમજ ધોકાના આડેધડ ઘા મારી કરપીણ હત્યા નીપજાવી હતી. જે પ્રકરણમાં ત્રણ આરોપીઓ સામે પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયા પછી એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ધ્રોલ પંથકમાંથી પકડી પાડયા છે, અને પંચકોશી બી ડિવિજન પોલીસ મથકમા સુપરત કરી દીધા છે. જે ત્રણેયને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જામનગરમાં ધુંવાવ નાકા વિસ્તારમાં રહેતા મહેશ ઉર્ફે મુન્નો કાનજીભાઈ વાગોણા નામના યુવાનનો હત્યા કરાયેલો મૃતદેહ જામનગર-ખંભાળિયા હાઇવે રોડ પર સીમલીયા ગામ ના પાટીયા સામે મોરકંડા ગામ તરફ જવાના રસ્તે થી મળી આવ્યા પછી પંચકોશી બી ડિવિઝન પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ ના આધારે ત્રણ આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો હતો પોલીસે જામનગરમાં રહેતી મૃતકની પત્ની પુનમબેન વાધોણા ની ફરિયાદ ના આધારે આરોપીઓ સાગર ઉર્ફે ધમભા મહાકાલ કારડીયા, અમીત પીપળીયા, તથા આકાશ ઉર્ફે બબન કોળી વગેરે સામે ગુન્હો નોંધ્યો હતો. આ કામના આરોપી ધમભા ઉર્ફે મહાકાલનો ઇગ્લીશ દારૂનો પોલીસમાં કેસ થયેલો, તેમાં ફરીયાદીના પતિ મહેશભાઇ વાધોણાએ પોલીસમાં બાતમી આપી હોવાની શંકા ખાર રાખીને ત્રણેય આરોપીઓએ અગાઉથી મરનાર ને મારી નાખવાનો પ્લાન બનાવી મહેશને ફોન કરી બોલાવી ખીમલિયા તરફ બાઇકમાં લઈ ગયા હતા, જ્યાં છરી તથા ધોકાથી શરીરે આડેધડ ઘા મારી ગંભીર ઇજા કરી હત્યા નિપજાવી હતી. જે ગુનો આચરી ત્રણેય આરોપીઓ નાશી ગયા હતા. અને પંચકોશી બી ડિવિઝન તેમજ એસીબીની ટીમ સહિતની પોલીસ ટુકડી ત્રણેય આરોપીઓને શોધી રહી હતી. દરમિયાન એલસીબીએ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આ ગુનામા સંડોવાયેલા આરોપીઓ શોધી કાઢવા અંગે જરૂરી વર્ક આઉટ કરી આરોપીઓ બાબતે સચોટ માહિતી એકઠી કરવામાં આવી હતી. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા, દિલીપભાઇ તલાવડીયા તથા યોગરાજસિંહ રાણાને મળેલી હકિકતના આધારે ધ્રોલ તાલુકાના લૈયારાગામ પાસેથી આ ગુનામા સંડોવાયેલ ત્રણેય આરોપીઓ સંતાયા છે તેવી માહિતીને આધારે ત્રણેયને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે પંચકોષી બી ડીવી પોલીસ મથકને સોપી દીધા હતા. જે ત્રણેય આરોપીઓના રેપીડ કોવિડ ટેસ્ટ કરાયો હતો. જેના રિપોર્ટ નેગેટિવ મળતા હત્યાકેસમાં ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે. ઉપરાંત લોહીવાળા કપડા વગેરે કબજે લેવાયા છે.જે ત્રણેયને રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવી રહ્યા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દારૂની બાતમી ના પ્રશ્નો ડખો થયો હોવાથી મહેશ ની હત્યાર કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું, અને અશોક જામનગર થી તેની સાથે બાઈકમાં બેસીને ખીમલિયા પાસે આવ્યો હતો અને દારૂનો જથ્થો આવવાનો છે, તેમ કહી મોડી રાત્રે બનાવના સ્થળે લઇ જઇ ત્રણેય શખ્સોએ છરી અને ધોકા ના ઘા ઝીકી દીધા હતા. પોલીસ દ્વારા હથિયાર મેળવવા માટે ઉપરાંત મૃતકની બાઈક અને આરોપીના વાહન વગેરે કબજે મેળવવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.