મહુધા, તા.૧ 

મહુધાના અંબામાતા વિસ્તારમાં રહેતાં અને પોસ્ટ ઓફિસની બાજુમાં મહુધા સેવા સહકારી મંડળીમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતાં પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓને નડિયાદની એન.ડી.દેસાઇ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.

મહુધામાં એક માસ બાદ અંબામાતા વિસ્તારનો વધુ એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં નગરમાં ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ યુવક મહુધા ખાતેની સેવા સહકારી મંડળીમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. સાથે સાથે મહુધા રેસ્ટહાઉસની સામેના કોમ્પ્લેક્સમાં પોતાની અમૂલ પાર્લરની દુકાન પણ ચલાવે છે. છેલ્લાં એક અઠવાડિયાથી તેમને કમરમાં દુઃખાવાની તકલીફ થઇ હતી. ત્યાર બાદ ૨૬ જૂનના રોજ શરદી તથા શરીરમાં દુઃખાવો અને અશક્તિ લાગતી હતી. તેઓ સ્થાનિક ક્લિનિક પર સારવાર અર્થે ગયાં હતાં, પરંતુ તેઓની તબીયતમાં સુધારો જાવાં મળ્યો ન હતો. આખરે નડિયાદના યોગીનગર ખાતે પ્રા.આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતાં તેમનાં પત્નીને કારણે આરોગ્ય કેન્દ્ર પર દર્દીર્ંનું કોવિડ-૧૯ માટે સેમ્પલ કલેક્શન કરવામાં આવ્યું હતું. ૩૦ જૂનના રોજ તેઓનો કોવિડ-૧૯નો રિપોર્ટ પોઝિટિવ આવતાં મહુધા આરોગ્ય વિભાગ દ્વારા તેમને નડિયાદની એન.ડી.દેસાઇ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. તેમજ બુધવારના રોજ મહુધા આરોગ્ય વિભાગ દ્વારા તાબડતોબ સમગ્ર વિસ્તારમા સરવેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકા દ્વારા વિસ્તારને સીલ કરી કન્ટેઇનમેન્ટ ઝોનમાં ફેરવી દેવામાં આવ્યો હતો. સાથે સાથે તેમનાં માતા-પિતાને પણ ક્વોરન્ટીન સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.