19, જાન્યુઆરી 2021
દાહોદ : ઘરને તાળું મારી પરિવાર સાથે પાવાગઢ માતાજીના દર્શનાર્થે ગયેલા દાહોદ ગોદી રોડ યોગેશ્વર સોસાયટીમાં રહેતા કાપડના વેપારીના બંધ મકાનને તસ્કરોએ ધોળે દા’ડે નિશાન બનાવી રસોડાની બારીમાંથી ઘરમાં પ્રવેશી બેડ રૂમમાં મુકેલ પેટી પલંગમાંની વસ્તુઓ વેરવિખેર કરી લાકડાના કબાટમાં મુકેલ દાગીના ચાંદીના સિક્કા રાડો ઘડિયાળ તેમજ રોકડ રકમ મળી રૂપિયા ૯૮ હજાર પાંચસોની મત્તાનો હાથ ફેરો કર્યો હતો.
દાહોદમાં માહી સિલેક્શન નામની કાપડની દુકાન ધરાવતાં અને હાલ દાહોદ ગોદી રોડ રામનગર ની પાછળ આવેલ યોગેશ્વર સોસાયટી માં ભાડાના મકાનમાં રહેતા ૪૫ વર્ષીય વેપારી ભુપેન્દ્રભાઈ આસનદાસ પેરુમલ જાેબન પુરા પરમ દિવસે તારીખ ૧૬.૦૧.૨૦૨૧ ના રોજ સવારે નવ વાગ્યાના સુમારે પોતાના ઘરના મુખ્ય દરવાજાને તાળું મારી પરિવારજનો સાથે પાવાગઢ માતાજીના દર્શન કરવા ભાડાની તવેરા ગાડી કરીને દાહોદ થી રવાના થયા હતા અને પાવાગઢ માતાજીના દર્શન કરી રાતે સાડા સાત પોણા આઠ વાગ્યાના સુમારે ભરત ઘરે આવ્યા હતા. આ દિવસ દરમિયાનના સમય ગાળામાં કોઈ તસ્કરોએ ભુપેન્દ્રભાઈ જાેબન પુરાના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને તસ્કરોએ ધોળે દહાડે મકાનના રસોડાની બારી વાટે મકાનમાં પ્રવેશ કર્યો હતો અને બેઠકરૂમમાં થઈ બેડરૂમમાં ગયા હતા અને બેડ રૂમમાં મુકેલ પેટી પલંગ ખોલી તેમાંની વસ્તુઓ વેરવિખેર કરી બેડરૂમમાં નું લાકડાનું કબાટ ખોલી કબાટમાં મુકેલ રૂપિયા પાંચ હજારની રોકડ રૂપિયા ૪૫ હજારની કિંમતની કુલ ૧૯ ગ્રામ વજનની સોનાની જેન્સ અને લેડીઝ વીટી નંગ ૬ રૂપિયા ૩૫ હજારની કિંમતના ૨૦ ગ્રામ વજનના સોનાના એરિંગની જાેડ નંગ પાંચ રૂપિયા પાંચ હજારની કિંમતની રાડો કંપનીની ઘડિયાળ રૂપિયા ૨૫૦૦ ની કિંમતની ચાંદીની પાયલ જાેડ (૫) રૂપિયા પાંચ હજારની કિંમતના ચાંદીના ૧૩થી ૧૪ સિક્કાની ચોરી થઇ હતી.