ગાંધીનગર-

કોરોનાની આ વખતે બહેતર સ્થિતિ હોય પણ સાવચેતીને ધ્યાને લઈને સરકારે ગણેશ મહોત્સવમાં કેટલીક પાંબધીઓ મુકતા આ વખતે ગાંધીનગરમાં ગણેશ મહોત્સવના કોઈ મોટા આયોજનો થયા નથી. માત્ર શેરી ગલીમાં નાના પાયે ગણેશ મહોત્સવના સાદાઈથી આયોજનો થયા છે.

જો કે મોટાભાગના લોકોએ સરકારની ગાઈડલાઈનને ધ્યાને લઈને પોતાના ઘરોમાં આજે ભક્તિભાવથી ગણપતિ દાદાને બિરાજમાન કર્યા છે. આ ઉપરાંત ઘણી જગ્યાએ સાદાઈથી શેરી ગલીમાં નાના પંડાલ નાખીને લોકોએ વિઘ્નહર્તાને સ્થાપિત કર્યા છે. આજથી ગણેશ મહોત્સવ શરૂ થતાં નવ-દસ દિવસ સુધી ગૌરીનંદન ભગવાન શ્રીગણેશની ભક્તિ કરવા લોકોમાં ભારે ઉમંગ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. આજે ગણેશ ચતુર્થીના દિવસે દરેક લોકોએ મોદક બનાવીને પ્રથમ મોદકનો પ્રસાદ ગણેશજીને અર્પણ કર્યા હતો અને પ્રથમ ભગવાનને પ્રસાદ ચડાવીને લોકોએ પણ લાડુનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

ગણેશ મહોત્સવના મોટા આયોજન રદ્દ હોવાથી મોટાભાગના લોકોએ આજે ગણપતિ દાદાને પોતાના ઘરોમાં બિરાજમાન કરીને ભક્તિ કીર્તન શરૂ કર્યા છે. લોકો દરરોજ આરતી, પૂજન અર્ચન અને અન્નકૂટ ધરીને આરાધના કરશે. બીજી તરફ ગાંધીનગરમાં દર વર્ષે યોજાતા સૌથી મોટા ગણેશ મહોત્સવ અંતર્ગત આ વર્ષે પણ 52 મો ગણેશ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જો કે કોરોનાની ગાઈડ લાઈન અનુસાર ગણેશ મહોત્સવ દરમિયાન યોજનાર વિવિધ કાર્યકરો ઓનલાઈન માધ્યમથી યોજવાનું આયોજન સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. જે અન્વયે ઓનલાઈન સોલો નૃત્ય સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, બેસ્ટ સિંગિંગ ઓફ ધી સીટી તેમજ ખાસ મહિલાઓ માટે વોટ્સઅપ મ્યુઝિકલ હાઉસી સ્પર્ધાઓ યોજવા આવી છે. તે સિવાય સેકટર 2/સી ગણેશ ચોકમાં પણ કોરોના ગાઈડ લાઈન સાથે આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ કરાયો છે.