સચિન ઠક્કરની ૧૨ લાખની લેતી-દેતીમાં હત્યા થયાની વાતે ચકચાર
29, જુલાઈ 2023

વડોદરા, તા.૨૯

ભાજપા કાર્યકર સચિન ઠક્કરની હત્યામાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓની પુછપરછમાં પોલીસ હજુ સુધી હત્યાનું ચોક્કસ કારણ જાણી શકી નથી અને પાર્કિંગના ઝઘડાની અદાવતે જ હત્યા થી હોવાનું જણાવી રહી છે. જાેકે આ બનાવમાં હવે સચિન અને પાર્થ પરીખ વચ્ચે બાર લાખની લેતી-દેતીના મુદ્દે વિવાદ હોવાના કારણે હત્યા કરાયાની પણ વાત વહેતી થતાં ચકચાર મચી છે.

સચિન ઠક્કર અને તેમના ભાઈ પ્રિતેશ ઠક્કર પર આરોપીઓએ જે રીતે ક્રુરતાપુર્વક હુમલો કરી બેભાન થયા બાદ પણ માર માર્યો હતો તે દ્રશ્યો જાેતા આ હુમલો માત્ર પાર્કિંગના મુદ્દે થયેલા ઝઘડાની અદાવતે કરાયો હોવાની વાત હજુ પણ ગળે ઉતરતી નથી. આ હત્યાના ચાર દિવસ બાદ હવે એક એવી પણ વાત વહેતી થઈ છે કે પાર્થ પરીખ અને સચિન ઠક્કર વચ્ચે રૂપિયાની લેવડદેવડના મુદ્દે તકરાર હતી અને એવું પણ કહેવાય છે કે સચિન ઠક્કર રૂપિયા બાર લાખની પાર્થ પાસે ઉઘરાણી કરતા હતા જે મુદ્દે વિવાદ થતાં આ હુમલો કરાયો છે. જાેકે ગોત્રી પીઆઈ ગુર્જરે આ બનાવ પાર્કિંગના ઝઘડાના કારણે જ થયો છે અને નાણાંની લેતીદેતીની કોઈ વાત નથી તેમ જણાવ્યું હતું.

હત્યાના બનાવની તપાસ અંતે ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ

ભાજપા કાર્યકર સચિન ઠક્કરની જે રીતે હત્યા થઈ તેની તપાસ ઉચ્ચકક્ષાએ સોંપવાની મૃતકના પરિવારજનો સાથે શહેર ભાજપા અગ્રણીઓએ પણ માગણી કરી હતી. દરમિયાન બનાવની ગંભીરતા જાેતા શહેર પોલીસ કમિ.ડો.શમસેર સિંઘે આ બનાવની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવાનો આજે મોડી સાંજે આદેશ કર્યો હતો. જાેકે રાત સુધી ત્રણેય આરોપીઓ ગોત્રી પોલીસ મથકના કસ્ટડીમાં રખાયા હતા.

પાર્થ,તેના માતા અને પિતા ત્રણેય અલગ-અલગ રહે છે

સમગ્ર હત્યાકાંડમાં ચર્ચાની એરણે રહેલા પાર્થ બાબુલ પરીખની પોલીસે પુછપરછ કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તેના માતા-પિતાના છુટાછેડા થયા બાદ તે અને તેના માતા-પિતા ત્રણેય જણા અલગ અલગ સ્થળે રહે છે. તેની માતા ગંગોત્રી એપાર્ટમેન્ટમાં રહે છે જયારે તે લક્ષ્મીપુરા વિસ્તારના ઈસ્કોન ઈલાઈટમાં રહે છે. તેની માતાએ ઘરે સચિન આવીને ઝઘડો કરતો હોવાની જાણ કરતા પાર્થે તેના સાગરીતોને ગંગોત્રી એપાર્ટમેન્ટ ખાતે પહોંચવાનું કહી તે હાફપેન્ટ પહેરેલી હાલતમાં જ માતાના ઘરે દોડી ગયો હતો.

હત્યાનો લાઈવ વીડિયો નવા બંધાતા મકાનમાંથી લેવાયો હતો

સચિન ઠક્કરની હત્યાનો લાઈવ વીડિયો કોણે ઉતાર્યો અને તે બનાવના બે દિવસ બાદ કેવી રીતે વાયરલ થયો ? તે મુદ્દો પણ એટલો જ મહત્વનો છે. આ વીડિયો બનાવનાર અને વાયરલ કરનારની પોલીસે તપાસ શરૂ કરી છે પરંતું પોલીસને હજુ સુધી કોઈ સગડ નથી મળ્યા હતા. પીઆઈ ગુર્જરે જણાવ્યું હતું કે જે સ્થળે હત્યા થઈ તેની સામે અન્ય મેદાનના છેવાડેથી વીડિયો ઉતારવામાં આવ્યો હોવાની સંભાવના છે. આ વીડિયો મેદાનની સામે એક નવા બંધાતા અને એક રિનોવેશન થતા મકાનો પૈકી એક મકાનમાંથી ઉતારવામાં આવ્યો હોઈ પોલીસે આ બંને મકાનમાં કામ કરતા મજુરોની પુછપરછ કરી હતી. જાેકે વીડિયોની ગુણવત્તા જાેતા તે હાઈરિઝોલ્યુશન કેમેરાવાળા મોંઘાદાટ મોબાઈલથી બનાવ્યાનું મનાતું હોઈ આ વીડિયો કોઈ મજુરે નહી પરંતું અન્ય કોઈ સ્થાનિક રહીશે બનાવ્યાની શંકા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution