વડોદરા, તા.૨૦

સોખડા હરિધામ સ્વામીનારાયણ મંદિર અંગે કોઈ વિખવાદ નથી તેમ મંદિરના સંતોએ એકસૂરે જણાવ્યું હતું. હરિધામ સોખડા પરિસરમાં પ્રેમસ્વરૂપ સ્વામી, પ્રબોધસ્વામી, ત્યાગવલ્લભસ્વામી, સંતવલ્લભસ્વામી, ભક્તિપ્રિયસ્વામી, ગુરુપ્રસાદસ્વામી સહિતના સંતોએ એક બેઠકમાં સંયુક્ત નિવેદન આપ્યંુ હતું.

આ બેઠકમાં નિવેદન કરતાં પ્રબોધસ્વામીએ સ્પષ્ટ કર્યું હતું કે, હરિધામમાં કોઈ સંત, સેવકો, ભક્તોને કોઈપણ રીતે હેરાન કરવામાં આવતા નથી. આ અંગે કરવામાં આવેલા આક્ષેપો તદ્દન ખોટા અને સત્યથી વગળા છે. હરિધામ પરિવારના સૌ સંતો-સેવકો ગુરુહરિ સ્વામીજીના સાંનિધ્યમાં આનંદપૂર્વક સેવાભક્તિ કરી રહ્યા છે. સવાર-સાંજની આરતી સાથે મળીને કરવામાં આવે છે અને એક રસોડે સાથે જમવામાં આવે છે.

છેલ્લા પાંચ-છ મહિનાથી હરિધામ પરિવારના સભ્યો અંગે જે નકારાત્મક વાતો ફેલાવવામાં આવી છે તેમાં કોઈ વજુદ નથી. જ્યારે પ્રેમસ્વરૂપસ્વામીએ કહ્યું હતું કે, હરિધામ પરિવાર એક છે. કોઈને કોઈ તકલીફ નથી. સૌએ સાથે મળીને ગુરુહરિ હરિપ્રસાદસ્વામીજી મહારાજના આત્મીયતાના યુગકાર્યને આગળ વધારવાનું છે. ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે, પોતે રાજકોટમાં અલગ ટ્રસ્ટ બનાવ્યું હોવાના આક્ષેપો તદ્દન ખોટા છે. સાઈઠના દાયકામાં અન્ય લોકો દ્વારા સ્થપાયેલ ટ્રસ્ટની જવાબદારી તેના પ્રતિષ્ઠિત હોદ્દેદારોની વિનંતીથી હરિપ્રસાદ સ્વામીજીએ ૧૯૮૮-૮૯માં સ્વીકારેલી અને તેના અધ્યક્ષ તરીકે હરિપ્રસાદ સ્વામીજી મહારાજે પોતાના સ્થાને પ્રેમસ્વરૂપ સ્વામીજીની નિયુક્તિ કરી છે. પોતાને કોઈ પદ, પ્રતિષ્ઠા કે સન્માનની અપેક્ષા નહીં હોવાનું અને દાસભાવે સત્સંગની સેવા કરવાનું એકમાત્ર ધ્યેય હોવાનું જણાવ્યું હતું.