રાજકોટ રાજકોટના પ્રમુખ સ્વામી હોલ ખાતે ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ બોર્ડ દ્વારા આંગણવાડી બહેનોને ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં ક્યાંય ખાતરની અછત નથી, કમોસમી વરસાદ પડે તો પણ ખેડૂતોને નુકસાન ન થાય તે માટેની વ્યવસ્થા કરી લેવામાં આવી છે.છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના કેટલાક જિલ્લામાં ખાતરની અછત હોવાની ફરિયાદ ઉઠી છે. ત્યારે સમગ્ર મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ખાતરની અછત હોવાની વાતમાં કોઈ તથ્ય નથી. રવિ પાક માટે ખેડૂતોને ખાતર મળશે જ. ક્યારેક ટ્રક સમયસર પહોંચી ન શક્યો હોય તેવું બને છે, પરંતુ ખાતરની કોઈ અછત નથી. કેન્દ્ર સરકાર દ્વારા તમામ ખેડૂતોને ખાતર સમયસર આપવામાં આવી જ રહ્યું છે. આગામી દિવસોમાં પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહેશે.તો કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી અંગે તેમણે જણાવ્યું હતું કે, હાલ હવામાન વિભાગની આગાહીના પગલે ત્રણ દિવસ માટે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના મોટાભાગના યાર્ડમાં ત્રણ દિવસ માટે જુદી-જુદી જણસીની આવક બંધ કરવામાં આવી છે. મારુ માનવું છે કે, કમોસમી વરસાદ આવવાનો જ નથી, પરંતુ વરસાદ પડે તો પણ તમામ તૈયારીઓ સરકાર દ્વારા કરી લેવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડમાં માલ ન પલળે તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડા વખતે રાજ્ય સરકારે ખૂબ જ સુંદર વ્યવસ્થા કરી હતી, જેના કારણે કોઈપણ જાતનું નુકસાન થયું નહોતું. તેવી રીતે કમોસમી વરસાદ આવે તો તેને પહોંચી વળવા પણ સરકાર તૈયાર છે.ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ખાતરની અછત હોવાની તેમજ કમોસમી વરસાદને લઈને છેલ્લા કેટલાક સમયથી અનેક ચર્ચાઓ ચાલી રહી હતી. જાેકે, આજે કૃષિમંત્રી રાઘવજી પટેલે આ બંને મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપીને તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ખેડૂતોને કમોસમી વરસાદથી કોઈ નુકસાન નહીં થવાની તેમજ રવીપાક માટે જરૂરી ખાતરનો જથ્થો પૂરો પાડવાની પણ તેમના દ્વારા ખાતરી આપવામાં આવતા હાલ ખેડૂતોને હાશકારો થયો છે. રવીપાકની સિઝન સારી થવાની આશા જાગી છે.