રાજદુતના ચારેબાજુ થઈ રહ્યા છે વખાણ, જાણો એવું તે શું થયું કે બ્રટિશ રાજદૂતે કાબુલમાં જ રહેવાનો ર્નિણય કર્યો
18, ઓગ્સ્ટ 2021

કાબુલ-

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ જ્યાં દેશ છોડવા માટે એકબાજુ ભાગદોડ મચી છે ત્યાં બ્રિટિશ રાજદૂતે કાબુલમાં જ રહેવાનો ર્નિણય કર્યો છે. પોતાના જીવની પરવા ન કરતા રાજદૂત સર લોરી બ્રિસ્ટોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ૪૦૦૦ બ્રિટિશ અને અફઘાનકર્મીઓને સુરક્ષિત બહાર કાઢવામાં ન આવે ત્યાં સુધી અફઘાનિસ્તાન છોડીને જશે નહીં. તેમના આ સાહસ બદલ રાજદૂતના ચારેબાજુ વખાણ થઈ રહ્યા છે.

બ્રિટનના લોકોએ તેમને હીરો ગણાવ્યા છે. ધ સનમાં છપાયેલા એક અહેવાલ મુજબ સર લોરી બ્રિસ્ટો અને સમર્પિત રાજનયિકોની એક ટીમે પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે કાબુલ એરપોર્ટ પર એક ઈમરજન્સી અભિયાન શરૂ કર્યું છે. એમ્બેસેડરે બ્રિટન સરકારને કહ્યું છે કે જ્યાં સુધી બ્રિટિશ અને તેમના અફઘાનકર્મીઓ અહીંથી બહાર ન નીકળી જાય ત્યાં સુધી તેઓ અફઘાનિસ્તાન છોડશે નહીં. આ બાજુ બ્રિટનના રક્ષા મંત્રાલયે જણાવ્યું કે કાબુલમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકોને બહાર કાઢવા માટે ૨૦૦ વધુ સૈનિકોને અફઘાનિસ્તાન મોકલાઈ રહ્યા છે. આ અગાઉ શનિવારે ૧૬ એર અસોલ્ટ બ્રિગેડના લગભગ ૬૦૦ પેટાટ્રૂપર્સ અફઘાનિસ્તાન પહોંચ્યા હતા અને લગભગ ૨૦૦ લોકોને તેમણે અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવાની મદદ કરી હતી. આ રેસ્ક્યૂ ઓપરેશનનું નેતૃત્વ રાજદૂત સર લોરી બ્રિસ્ટો કરી રહ્યા છે. કહેવાય છે કે આ અભિયાન આ મહિનાના અંત સુધી ચાલી શકે છે. લોરી બ્રિસ્ટોનું કહેવું છે કે હાલ તેમનું સંપૂર્ણ ફોકસ લોકોને સુરક્ષિત બહાર કાઢવાનું છે અને જ્યાં સુધી આ કામ પતી ન જાય ત્યાં સુધી તેઓ અફઘાનિસ્તાન છોડશે નહીં. પોતાના જીવની પરવા ન કરતા યુદ્ધગ્રસ્ત દેશમાં રોકાવવા બદલ રાજદૂતના વખાણ થઈ રહ્યા છે. લોકો તેમને હીરો ગણાવી રહ્યા છે. અત્રે જણાવવાનું કે તાલિબાનના કબજા બાદ અનેક દેશોએ અફઘાનિસ્તાનમાં પોતાના દૂતાવાસ બંધ કરી દીધા છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી જનારામાં સૌથી પહેલા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution