21, સપ્ટેમ્બર 2020
નડિયાદ : દેશ અને રાજ્યમાં થતી અનેક ચૂંટણીઓની વચ્ચે હવે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન(જીએસઆરટીસી)ની ચૂંટણીના પડઘમ વાગ્યા છે. રાજ્યના અનેક ડેપો પૈકી નડિયાદ ડેપોની પણ આગામી તારીખ ૨૪ સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે. નડિયાદ એસટી ક્રેડિટ સોસાયટીની બેઠક પર કુલ ૩ દાવેદારો મેદાનમાં છે. જેમણે પોતાના ફોર્મ ભરી નડિયાદ બસ મથકે પ્રચાર બેનરો પણ લગાવી દીધાં છે. આ ચૂંટણીમાં નડિયાદ ડેપોમાં આવતી તમામ બસોના ડ્રાઈવર અને કન્ડક્ટર સહિત નડિયાદ ડેપોમાં સર્વિસ સેન્ટરના અધિકારીઓ અને એએસએફ સ્ટાફના કર્મચારીઓ મતદાન કરશે.
ડેપોના અધિકારીઓ અને એએસએફ સ્ટાફના કુલ ૪૦ કર્મચારીઓ છે, જ્યારે અન્ય ૨૦૯ જેટલાં એસટી ડ્રાઈવર અને કન્ડક્ટર મતદારો તરીકે મતદાન કરી પોતાની ફરજ પૂરી કરશે. ડેપોના ક્રેડિટ સોસાયટીના ડિરેક્ટરની ચૂંટણી દર ૫ વર્ષે યોજાતી હોય છે, પરંતુ આ વખતે કોરોનાકાળને લીધે ચૂંટણી ૬ વર્ષે યોજાવા જઈ રહી છે. ઉમેદવારોની વાત કરવામાં આવે તો નડિયાદ ડેપોની બેઠક પર ૩ દાવેદારો છે, જેમાં ભારતીય મજદૂર સંઘ તરફથી રહેમાનભાઈ મલેકે દાવેદારી નોંધાવી છે. જેઓ ડેપોમાં ટ્રાફિક કન્ટ્રોલર છે. બીજા ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ ડિરેક્ટરના ચૂંટણી જંગમાં મેદાને છે. જેઓ એસટીના ડ્રાઈવર છે. સાથોસાથ ત્રીજા ઉમેદવાર તરીકે અજયભાઈ ઉપાધ્યાયે ચૂંટણીમાં ઝંપલાવ્યંુ છે. તેઓ પણ એસટીના ડ્રાઈવર છે. અગાઉ આ બેઠક પર ડિરેક્ટર તરીકે રહેમાનભાઈ મલેક ચૂંટાયા હતા. તેમનો કાર્યકાળ પૂરો થતાં આ ચૂંટણી જાહેર થઈ છે. આ સંદર્ભે નડિયાદ એસટીના કેટલાક ડ્રાઈવરો અને કન્ડક્ટરો સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતંુ કે, આ વખતે ત્રણેય ઉમેદવારો સક્ષમતાથી ચૂંટણી મેદાને ઊતર્યા છે. ડેપોના ૨૪૯ કર્મચારીઓના હાથમાં તેમનું ભવિષ્ય છે. ત્રણેય ઉમેદવારો ચૂંટણી માટે મહેનત કરી રહ્યાં છે, જેથી આ વખતે ચૂંટણી રસાકસી ભરેલી રહેશે.