રાજકોટ-

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજરોજ સવારે નહીવત ઠંડક અનુભવાઈ હતી અને અનેક સ્થળોએ દઝાડી દે એવી કાળઝાળ ગરમી અનુભવાઈ હતી. ગઇકાલે પણ રાજયનું સૌથી ગરમ શહેર કચ્છનું ભૂજ રહેવા પામ્યુ હતું અને બીજા નંબરે સુરેન્દ્રનગર રહ્યું હતું. આ અંગેની હવામાન કચેરીનાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ ગઇકાલે ભૂજ ખાતે 40 ડિગ્રી મહતમ તાપમાન અને સુરેન્દ્રનગરમાં 39.પ ડિગ્રી મહતમ તાપમાન નોંધાતા લોકો અંગ દઝાડતી ગરમીમાં શેકાયા હતાં.

આ ઉપરાંત રાજકોટ ખાતે પણ 39.3 અને કેશોદમાં 39.4 ડિગ્રી મહતમ તાપમાન નોંધાતા આકરી ગરમી અનુભવાઇ હતી. દરમ્યાન ગઇકાલે અમદાવાદ ખાતે 38.4 ડીસામાં 38.7, કંડલામાં 38.2, અમરેલીમાં 39.4 અને વલ્લભ વિદ્યાનગર ખાતે 38 ડિગ્રી મહતમ તાપમાન નોંધાવા સાથે સખ્ત ગરમીનો અનુભવ થયો હતો. આ ઉપરાંત આજે સવારે વિવિધ શહેરોમાં સામાન્ય તાપમાન નોંધાયુ હતું. રાજકોટમાં સવારે 22.8, ભૂજમાં 21.8, નલિયામાં 19.2, સુરેન્દ્રનગરમાં 22.પ, અમદાવાદમાં 18.4, ડીસામાં 18.પ, વડોદરામાં 20.2, સુરતમાં 21, અમરેલીમાં 20.6 અને ગાંધીનગરમાં 16 ડિગ્રી ન્યુનતમ તાપમાન નોંધાયુ હતું.

ખંભાળિયામાં છેલ્લા બે દિવસથી વહેલી સવારે ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાય છે. આજે શનિવારે પણ વહેલી સવારથી ઘેરી ધુમ્મસ ઉતરી આવી હતી. ગાઢ ઝાકળ સાથે જાણે આકાશમાંથી ફોરા વરસી રહ્યાં હોય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી. ધુમ્મસના કારણે શહેરના માર્ગો ઉપર પાણીની ચાદર છવાઈ હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. આ ધુમ્મસના લીધે સવારે ગુલાબી ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. આ સાથે સવારે ઝાકળ વર્ષા તથા ઠંડી ઉપરાંત બપોરના સમયે નોંધપાત્ર ગરમી વચ્ચે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.