આણંદ : આણંદ - નડિયાદ સહિત ચરોતરમાં આ વખતે કોરોના મહામારીના પગલે ર્થટી ફર્સ્‌ટની ઉજવણી પર પોલીસે પ્રતિબંધ ફરમાવ્યો છે. કોવિડને કારણે સરકારી ગાઇડલાઇનનો ચુસ્ત અમલ કરાવવામાં આવશે. કોઈ ઉજવણી માટે ભેગાં થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ૩૧મીની રાત્રે પોલીસ તંત્ર દ્વારા આણંદ-નડિયાદમાં જિલ્લાભરની હોટલ, ફાર્મ હાઉસ અને પાર્ટી પ્લોટ પર ખાખી દ્વારા નજર રાખવામાં આવશે. તેમજ જાહેર માર્ગો પર સતત પેટ્રોલિગ કરવામાં આવશે. થર્ટી ફર્સ્‌ટની પાર્ટીનો યુવાઓમાં અનેરો ક્રેઝ જાેવાં મળે છે. મહિના કે પખવડિયા પહેલાંથી જ પાર્ટીના પ્રિ-પ્લાન થઇ જતાં હોય છે. ખાસ કરીને યુવાઓ ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ, હોટલમાં પાર્ટીનો પ્લાન ગોઠવતાં હોય છે. આ ઉપરાંત કેટલીક નામાંકિત હોટલો દ્વારા પણ ખાસ થર્ટી ફર્સ્‌ટની પાર્ટીઓ યોજવામાં આવે છે. 

જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલે જણાવ્યું હતું કે, કોરોનાના સંક્રમણને ધ્યાને લઈ હાલમાં ધાર્મિક સહિત તમામ કાર્યક્રમો પ્રતિબંધ છે. ત્યારે થર્ટી ફર્સ્‌ટની ઉજવણી પર પ્રતિબંધ છે. ઉજવણી કરનારની સામે દંડાત્મક પગલાં લેવામાં આવશે. સરકારી ગાઇડલાઇનનું ચુસ્તપાલન કરાવવામાં આવશે.

બીજી તરફ આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક અજિત રાજીયણે પણ કહ્યું હતું કે, ૩૧મી ડિસેમ્બરની ઉજવણી નહીં કરવા માટે સોશિયલ મડિયા દ્વારા લોકોને સાવચેત કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત લાઉડ સ્પીકર દ્વારા પણ લોકોને સાવચેત કરવામાં આવશે. તેમજ જિલ્લામાં હોટલ, રેસ્ટોરાં અને પાર્ટી પ્લોટ તથા ફાર્મ હાઉસ પર નજર રાખવામાં આવશે. ઉપરાંત જાહેર માર્ગો પર પેટ્રોલિગ કરવામાં આવશે. સાથે સાથે દારૂની બદી નાથવા માટે હાલમાં સ્પેશિયલ ડ્રાઈવ પણ ચલાવવામાં આવી રહી છે.

ક્યા ક્યા પ્રતિબંધ મૂકાયાં છે?

થર્ટી ફર્સ્‌ટની ઉજવણી અન્વયે ડાન્સ કે ડિનર પાર્ટી જેવા કાર્યક્રમો નહીં યોજી શકાય. થર્ટી ફર્સ્‌ટે હોટલ, ગેસ્ટ હાઉસ, ધાબા, હાઇવે હોટલ, ફાર્મ હાઉસ પર ચેકિંગ કરાશે. મોટેથી મ્યુઝિક વગાડીને સાન્તાક્લોઝ ઉભો રાખીને ગ્રાહકોને આકર્ષવા અને મનોરંજન પૂરૂ પાડતી વખતે વધુ લોકો એકત્રિત કરીને, સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો કાર્યવાહી કરવામાં આવશે.