17, ફેબ્રુઆરી 2021
ભોપાલ-
મંગળવારે મધ્યપ્રદેશના સીધી ખાતે બનેલા અમંગળ અકસ્માતમાં 48 જણાનાં મોત થયા હતા જ્યારે માત્ર છ જણા બચ્યા હતા. નોંધવા જેવી બાબત એ છે કે, આ છ માંથી પણ બે જણને એક બાળાએ બતાવેલી બહાદુરીને લીધે બચાવી શકાયા હતા.
અકસ્માત થયો એ ગોઝારી નહેરની નજીકના એક ઝૂંપડામાં રહેતી એક 18 વર્ષીય છોકરી નામે શિવરાની લુનિયાએ બસને કેનાલમાં ખાબકતી પોતાની નજર સામે જોઈ હતી. તેણે બસને જેવી ડૂબતી જોઈ કે તરત જ 40 ફૂટ ઊંડા પાણીમાં કૂદી પડી અને એક મહિલા કે જે પાણીમાં ગૂંગળાઈ રહી હતી તેને હાથ આપ્યો હતો. આખરે તે આ બાળાનો હાથ પકડીને કિનારા સુધી તરી આવી હતી. એટલું જ નહીં કિનારે ગામલોકો પાસે આ મહિલાને છોડીને શિવરાનીએ ફરીથી ડાઈવ લગાવી હતી અને બીજા એક પુરુષને પણ તેણે બચાવી લીધો હતો. સ્થાનિક સાંસદ રીતી પાઠક આ બાળાને મિડિયા સામે લાવ્યા હતા અને તેની પ્રશંસા કરી હતી. શિવરાની બાબતે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે, પોતાનો જીવ જોખમમાં મૂકીને નહેરમાં કૂદીને બે જણાનાં જીવ બચાવનારી આ તરુણીને મારા પ્રણામ. રાજ્યને તારા પર ગૌરવ છે. 12મા ધોરણમાં ભણતી આ તરુણી શિવરાની ઉપરાંત સ્થાનિક લોકોના પ્રયાસોને પગલે જ અહીં થોડાક લોકોને બચાવી શકાયા હતા, કેમ કે, પોલીસ અને બચાવ કામગીરી કરતી ટૂકડી પહોંચે ત્યાં તો ઘણી વાર થઈ ગઈ હતી.