દિલ્હી-

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરનો આજે ત્રીજાે દિવસ છે અને સુરક્ષાદળોએ આતંકીઓ પરનો સિકંજાે વધારે મજબૂત બનાવ્યો છે. દરમિયાન કલાકો સુધીના ફાયરિંગ બાદ સુરક્ષાદળોએ આજે બીજા આતંકીને પણ ઢાળી દીધો છે.જેની ઓળખ આતંકી સંગઠન જૈશ એ મહોમ્મદના ટોપ કમાન્ડર વિલાયત ઉર્ફે સજ્જાદ અફઘાનીના સ્વરુપમાં થઈ છે.કાશ્મીર ઝોનના આઈજી વિજય કુમારે આ સફળ ઓપરેશન બદલ સુરક્ષાદળોને અભિનંદન આપ્યા છે.તેમણે કહ્યુ હતુ કે, સજ્જાદનુ મોત સુરક્ષાદળો માટે મોટી સફળતા છે. આ પહેલા રવિવારે અન્ય એક આતંકી જહાંગીર અહમદ વાનીને પણ ઢાળી દેવાયો હતો.જે પણ જૈશ એ મહોમ્મદનો આતંકી હતો.ઓપરેશન દરમિયાન એક પોલીસ કર્મી અને એક નાગરિક પણ ઘાયલ થયા છે.તેમજ ત્રણ ઘરોને નુકસાન પહોંચ્યુ છે.

સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની શનિવારથી ઘેરાબંધી કરેલી છે.એ પછી આતંકીઓએ ફાયરિંગ શરુ કર્યુ હતુ.જેનો સુરક્ષાદળોએ જડબાતોડ જવાબ આપ્યો હતો.આ દરમિયાન આતંકીઓએ ૬ નાગરિકોનુ અપહરણ કર્યુ હતુ પણ શનિવારની રાતે જ તેમને સહી સલામત રીતે છોડાવી લેવાયા હતા.

આ ઓપરેશન દરમિયાન એક ટોળાએ સુરક્ષાદળોની કામગીરીમાં વિઘ્ન ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો પણ બળ પ્રયોગ કરીને તેને નિષ્ફળ બનાવાયો હતો.