વોશિંગ્ટન-

અમેરિકામાં સંપૂર્ણ રીતે કોરોના વેક્સીનના બંને ડોઝ લઇ ચૂકેલા લોકો માટે હવે માસ્ક લગાવવાની જરૂર નથી. વેક્સીન લેનારા લોકો હવે એકબીજાને મળી પણ શકે છે. વેક્સીન લઇ ચૂકેલા લોકો માટે હવે ઘરની અંદર કે પછી લોકોની વચ્ચે માસ્ક પહેરવાની જરૂર નથી. જણાવી દઇએ કે, અમેરિકામાં એક મોટી વસતીની ફરિયાદ હતી કે વેક્સીનથી સુરક્ષિત થયા પછી પણ CDC પ્રતિબંધો હટાવી રહ્યા નથી. 117 મિલિયનથી વધારે અમેરિકન વેક્સીનની પ્રક્રિયાનો ભાગ બની ચૂક્યા છે, જે અમેરિકાની વસતીનો 35 ટકા ભાગ છે.

રાષ્ટ્રપતિ જો બાઈડને ટ્વીટર પર લખ્યું, નિયમ ખૂબ જ સરળ છે. વેક્સીન લગાવો કે પછી માસ્ક પહેરો, જ્યાં સુધી તમે વેક્સીન લગાવી લેશો નહીં. આની પસંદગી તમારે કરવાની છે. આ તમારી મરજી છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં 8 મહિનામાં સૌથી ઓછા નવા કેસોની સંખ્યા જોવામાં આવી રહી છે. જાન્યુઆરીમાં રોજ લગભગ 3000 લોકોના મોત થઇ રહ્યા હતા તે હવે ઘટીને રોજ લગભગ 600 થઇ ગયા છે. CDCના આ આદેશ પછી રાષ્ટ્રપતિ જો બાઇડને પોતાની ઓવલ ઓફિસમાં અન્ય સાંસદોની સાથે પોતાનો માસ્ક ઉતારી લીધો. અમેરિકામાં હવે વેક્સીનેટ થયેલા લોકો ખુલ્લી કે બંધ મોટાભાગની જગ્યાઓ પર માસ્ક વિના જઇ શકશે. જોકે, ભીડવાળી બંધ જગ્યા જેમકે બસ કે વિમાન મુસાફરી દરમિયાન કે હોસ્પિટલોમાં હજુ પણ માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.