સુરત-

સુરતની સિવિલ હોસ્પિટલ ફરી એકવખત વિવાદમાં આવી છે. સુરતની સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં ઉંદરોના ત્રાસની ફરિયાદ અવારનવાર સામે આવતી રહે છે. ત્યાં આજે એક વૃદ્ધાના મૃતદેહને ઉંદરોએ કોતરી ખાધાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો. સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાનું મોત થયા બાદ તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ઉંદરોએ મૃતકના પગ કોતરી ખાધા હતા. જયારે આ બાબતની જાણકારી વૃદ્ધાના પરિવારજનોને થઇ ત્યારે તેમની લાગણી દુભાતા તેઓએ સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અડાજણ વિસ્તારમાં રહેતા 60 વર્ષીય લક્ષ્‍મીબેન ગઈકાલે ઘરમાં પડી ગયા હતા. જેથી તેમને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી.

આ વાતની જાણ જયારે તેમના પરિવારજનોને થઇ ત્યારે તેઓએ સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા હતા. બીજી બાજુ સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પહેલા પણ પોસ્ટમોર્ટમ રૂમમાં સાફસફાઈ અને ઉંદરોના ત્રાસ બાબતે ઘણી ફરિયાદો સામે આવી હતી. જે માટે સિવિલ સત્તાધીશોનું ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું. પરંતુ આજદિન સુધી આ ફરિયાદ પર ગંભીર રીતે ધ્યાન આપવામાં આવ્યું નથી અને સફાઈ તેમજ વ્યવસ્થાના અભાવે તેનું કોઈ કાયમી નિરાકરણ મળી શક્યું નથી. જો કે આવી ઘટનાઓને અંતે પરિવારજનોના રોષનો ભોગ પીએમ રૂમ ખાતેના ફરજ પરના કર્મચારીઓને બનવું પડે છે.