દિલ્હી-

ભારત, યુકે અને કેનેડામાં બરબાદી ફેલાવનાર બીજી લહેરના કોરોના વેરિયન્ટ B.1.1.7ની પહેલી તસવીર સામે આવી છે. તેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, તે કેવી રીતે તે આપણી કોશિકાઓ સાથે તેના કાંટાળા પ્રોટીન લેયરને ચોંટાડી દે છે. કોરોના વાયરનો અત્યંત ખતરનાક સ્ટ્રેન સૌપ્રથમ ડિસેમ્બર 2020માં યુકેમાં સામે આવ્યો હતો. આ જ સ્ટ્રેનના કારણે ભારત અને કેનેડા સહિત દુનિયાના ઘણાં દેશોમાં કોરોના વાયરસની બીજી લહેર ખૂબ મજબૂત થઈ છે. કેનેડાના સંશોધકોએ આ વાયરસની સૌપ્રથમ તસવીર મેળવી છે. WHOએ ગયા વર્ષે ડિસેમ્બરના મધ્યમાં કોરોના વાયરસના B.1.1.7 વેરિયન્ટ વિશે જાહેરાત કરી હતી. તે સાથે જ એવું પણ જણાવ્યું હતું કે, વાયરસની અંદર અગણિત મ્યૂટેશન થઈ ચુક્યું છે. આ મ્યૂટેશન એટલું ખતરનાક છે કે, તેના કારણે લોકોની તબિયત વધારે ખરાબ થઈ જાય છે.

યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા (UBC)ના સંશોધકોએ કહ્યું છે કે, B.1.1.7 કોરોના વેરિયન્ટના મોલિક્યુલરની ઈમેજ સામે આવ્યા પછી ખબર પડી છે કે, તે આટલું સંક્રમણ કેમ ફેલાવે છે. આ તસવીર નિયર એટોમિક રિઝોલ્યુશન વાળી છે. એટલે કે આ તસવીરના રિઝોલ્યુશનમાં વાયરસના કણ પણ દેખાઈ રહ્યા છે. આ તસવીરથી એવો સંકેત પણ મળ્યો છે કે, અત્યાર સુધીમાં તૈયાર કરાયેલી વેક્સિન આ વેરિયન્ટથી સામે આવેલા હળવા તેમજ ગંભીર લક્ષણો સામે પણ રક્ષણ પુરું પાડી શકે છે. યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલમ્બિયાની સંશોધન ટીમના લીડર ડૉ. શ્રીરામ સુબ્રમણ્યમે B.1.1.7 કોરોના વેરિયન્ટની અંદર એક ખાસ પ્રકારનું મ્યુટેશન જોયું છે. તેનું નામ છે N501Y. આ મ્યુટેશન આ વિરયન્ટના કાંટાળા પ્રોટિન લેયર પર દેખાઈ રહ્યું છે. આ કાંટાળા પ્રોટીન લેયરના કારણે કોરોના વાયરસ માણસોની કોશિકાઓમાં સરળતાથી ઘૂસી જાય છે અથવા તેને ચોંટીને રહે છે. કોરોના વાયરસ ટાંકણીના માથાના ભાગ કરતા પણ 1,00,000 ગણો નાનો છે. આ વાયરસના વિસ્તૃત આકાર તેમજ તેની સપાટી પરના પ્રોટીન ઓળખવા માટે ક્રાયો-ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડ્યો હતો.