વોશિંગ્ટન-

અમેરીકન અવકાશ સંશોધન સંસ્થા નાસામાં મોટા પ્રમાણમાં ભારતીય મૂળના વિજ્ઞાનીઓ અને કર્મચારીઓ કામ કરે છે એ જાણીતી વાત છે, પણ હવે વધુ ગર્વ લેવા જેવી બાબત એ છે કે, નાસાએ ભારતીય મૂળના ભવ્યા લાલને પોતાની સંસ્થામાં કામ કરતા તમામ સ્ટાફના વડા તરીકે નિમ્યા છે. ભવ્યા લાલ અમેરીકાના નવા ચૂંટાયેલા પ્રમુખ બાયડેન દ્વારા સત્તાનું હસ્તાંતરણ કરાયું એ દરમિયાન નાસાના કાર્યભારનું આ પ્રશાસન સાથે સંકલન કરનારી એજન્સીના વડા હતા.

નાસાએ જણાવ્યું હતું કે, ૨૦૦૫ થી ૨૦૨૦ સુધી વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી અંગેની નીતિ ઘડનારી સંસ્થા (એસટીપીઆઈ)માં વિશ્લેષણક્ષેત્રે સંશોધન કર્તા તરીકે રહી રહી ચૂકેલા લાલ એન્જીનિયરીંગ અને સ્પેસક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. ત્યાં તેઓ વ્હાઈટહાઉસના વિજ્ઞાન અને સંશોધન નીતિના ખાતામાં અને રાષ્ટ્રીય અવકાશ પરીષદમાં વિશ્લેષક તરીકેની ભૂમિકા અદા કરતા હતા ઉપરાંત નાસા, સંરક્ષણ અને જાસૂસી જેવા ખાતાઓમાં મહત્વની કામગીરી અદા કરી રહ્યા હતા.

અમેરીકામાં જેને ટોચની ગણાય છે એવી પાંચેક જેટલી વિજ્ઞાન અને ટેક્‌નોલોજીની સંસ્થાઓમાં ભવ્યા લાલ નીતિ વિષયક બાબતોના વડા રહી ચૂક્યા છે. ઉપરાંત તેઓ નાસા સહિતની અનેક સંસ્થાઓની સલાહકાર સમિતિમાં પણ સામેલ રહી ચૂક્યા છે.