દિલ્હી-

દુનિયામાં હવે કોરોનાના કુલ દર્દીઓનો આંકડો ૧૦.૦૮ કરોડ થઈ ગયો છે. આ પૈકી ૭.૨૮ કરોડ લોકો સાજા થઈ ગયા છે, અને ૨૧, ૬૫,૦૦૦ લોકોથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે, ત્યારે ફાર્મા ક્ષેત્રની અગ્રણી કંપની ફાયઝરે કહ્યું છે કે, કોરોનાના નવા વેરીયન્ટ પર નિયંત્રણ માટે હવે તે રસી પર વધારાનું સંશોધનકાર્ય હાથ ધરી રહી છે. કંપની આ સંશોધનને બૂસ્ટર રીસર્ચ કહે છે.

કંપનીના સીઈઓ એલ્બર્ટ બોઉરલાએ કહ્યું હતું કે, હાલમાં દેખાયેલા કેટલાક નવા વેરીયન્ટની સામે અમે કામ કરી રહ્યા છીએ. આ વેક્સિન બૂસ્ટર નવા વેરીયન્ટની સામે અસરકારક સાબિત થશે એમ તેઓ માને છે. તેમણે કહ્યું હતું કે, નવા વેરીયન્ટથી ડરવાની જરુર નથી પણ તેને લગતી દરેક બાબતની ઝીણી માહિતી મેળવવી પડશે. એકવાર આ વેરીયન્ટની દરેક માહિતી મળી જાય પછી તેના પર નિયંત્રણ મેળવવું આસાન થઈ જશે.

અમેરીકી ઉપપ્રમુખ કમલા હેરીસને મંગળવારે વેક્સિનનો બીજાે ડોઝ આપી દેવાયો હતો. તેમની સાથે તેમના પતિ ડગ એમહોફ પણ મેરીલેન્ડના ઈન્સ્ટીટ્યુટ પહોંચ્યા હતા. હેરીસે જાહેર કર્યું હતું કે, તેમને રસીના બંને ડોઝ આપી દેવાયા છે, અને તેમને કોઈ દર્દ કે આડઅસરો હજી સુધી જણાઈ નથી. વ્હાઈટહાઉસમાં કર્મચારીઓને રસી આપી દેવાઈ છે.