ખેડા-

જીલ્લાના મુખ્ય મથક નડીયાદ બાદ માતર તાલુકાના સંધણા ગામમાં પણ એક કોલેરાનો કેસ મળી આવ્યો છે.જેને લઈ કલેક્ટરે જાહેરનામું બહાર પાડી ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરાયુ છે. ગામમાં રોગચાળો ફેલાવા પાછળ ગ્રામ પંચાયતની બેદરકાર કામગીરી સામે આવી છે.ગામમાં ગંદકી અને કચરાનું સામ્રાજ્ય ફેલાયું છે.આરોગ્ય કેન્દ્રની બહાર જ ગંદકી જોવા મળી રહી છે તેમજ ગામમાં દૂષિત પાણીની પણ સમસ્યા છે. ગામમાં કોલેરાનો એક કેસ આવતા તાત્‍કાલિક જિલ્‍લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવેએ ગંભીરતા સમજી ગામની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમજ તાત્‍કાલિક કાર્યવાહી કરી સમગ્ર સંધાણા ગામમાં જરૂરી પગલા લીધા હતા. તાત્કાલિક પગલાં સ્વરૂપે સંધાણા ગામમાં સફાઈ,પાણીના નિકાલ અને ફોગિંગ સહિતની કામગીરી આરંભી દેવામાં આવી હતી. રોગચાળો નિયંત્રિત કરવા આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં દરેક વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.સાથે જ આશા બહેનોની મદદથી કોલેરાના બચાવના પગલાની જાણકારી આપવામાં આવી રહી છે. ખેડા જીલ્લાના માતર તાલુકાના સંધાણા ગામને જાહેરનામું પાડી જીલ્લા કલેકટર દ્વારા કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે.ગામમાં કોલેરાનો એક કેસ મળી આવતા તંત્ર દોડતું થયું છે.તેમજ ગામમાં રોગચાળો નિયંત્રિત કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.