રાજકોટ, તા. ૬

રાજકોટના પ્રભારી અને રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નંબર ૧૬ના નવનિર્માણ પામેલા બિલ્ડિંગનું લોકાર્પણ પ્રસંગે ભાંગરો વાટ્યો હતો. તેમણે પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, જેને ગુજરાતમાં શિક્ષણ .યોગ્ય ન લાગતું હોય તે રાજ્ય છોડીને જ્યાં સારું શિક્ષણ લાગે ત્યાં જતા રહે. જિતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, જન્મ્યા ગુજરાતમાં, રહેવું ગુજરાતમાં, ધંધો અહીં કર્યો, છોકરા અહીં ભણ્યા. હવે બીજે સારૂ લાગતું હોય તો મારી વિનંતી છેકે . જેને બીજે સારું લાગતું હોય ને તેઓ છોકરાના સર્ટિફિકેટ લઇ જે દેશ અને જે રાજ્યમાં સારું લાગતું હોય ત્યાં જતા રહો. તેમણે ઉમર્યુ હતું કે ગુજરાતમાં પધારો અહીની સુવિધાઓ અને વ્યવસ્થાઓ જુઓ. શિક્ષણને લગતા સૂચનો કરો પણ એ લોકોને ટિકા જ કરવી છે. જાેકે જીતુ વાઘાણીના નિવેદન બાદ સોંપો પડી ગયો હતો.

જીતુ વાઘાણીના નિવેદન બાદ તાત્કાલિક પ્રતિક્રિયાઓ આવવા માંડી હતી અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જીતુ વાઘાણીના નિવેદનને અત્યંત આઘાત જનક ગણાવ્યું હતું.

આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ આ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતુંકે કે શિક્ષણ મંત્રીએ નર્સરીથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની મજાક કરી છે. તેમજ આ મજાક અંગેની વાઘાણીએ માફી માંગવી જાેઇએ. તેમણે આ મામલે જીતુ વાઘાણી અને ભાજપ સરકારની આકરી ટીકા કરી હતી. બીજીતરફ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ જીતુ વાઘાણીના નિવેદનની કડક શબ્દોમાં ટીકા કરી છે. તેમણે કહ્યું હતું કે વાઘાણીએ હાઇકોર્ટને ફટકાર લગાવી છે. શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બન્યું છે તેમાં સુધારો લાવો તેવી માંગણી કરી છે. હકિકતમાં જાે શિક્ષણ વિભાગની જવાબદારી ન નિભાવી શકતા હોય તો જવાબદારી છોડી દો અને ભાજપને પણ આ મામલે મનોમંથન કરવાની જરૂર હોવાની સલાહ આપી હતી.