12, માર્ચ 2022
જામનગર,જામનગરના વિભાપર ગામમાં ગૌશાળાના લાભાર્થે યોજાયેલા લોકડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો હતો. લોકગાયક રાજભા ગઢવી, નિરંજન પંડ્યા અને ફરિદા મીરના ડાયરામાં લોકોએ ચલણી નોટનો વરસાદ કરતા કલાકારોના સ્ટેજ પર ચલણી નોટના ઢગલાં જાેવા મળ્યા હતા. સૌરાષ્ટ્રમાં લોકડાયરાનું આયોજન હોય અને રૂપિયાનો વરસાદ ન થાય તેવું ભાગ્યે જ બને. તેમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે ગૌશાળાના લાભાર્થે લોકડાયરાનું આયોજન થાય છે ત્યારે લોકો મનમૂકીને રૂપિયાનો વરસાદ કરતા હોય છે. આવાજ દ્રશ્યો જામનગર નજીક વિભાપર ગામમાં યોજાયેલા લોકડાયરામાં જાેવા મળ્યા હતા. વિભાપર ગામે જય વછરાજ ગો સેવા ટ્રસ્ટ દ્વારા વાર્ષિક ઉત્સવ ભૂમિપૂજન, પંચકુંડી યજ્ઞ, સન્માન સમારોહ મહાપ્રસાદ અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, લોકડાયરામાં ગુજરાતના સુપ્રસિદ્ધ ભજનિક કલાકાર નિરંજન પંડ્યા, ફરીદા મીરે સંતવાણી દ્વારા ડાયરા રમઝટ બોલાવી હતી ત્યારે રાજભા ગઢવી ચારણી સાહિત્યમાં ભારતીય સંસ્કૃતિ ની પણ રમઝટ બોલાવી હતી ત્યારે લોકોએ મન મૂકીને લોકડાયરામાં ચલણી નોટોના રૂપિયાનો વરસાદ કર્યો હતો.