05, એપ્રીલ 2021
મુંબઈ
દેશમાં સતત અને ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણના કારણે આઇપીએલ પર ખતરો તોળાયો છે. બીસીસીઆઇ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાના જણાવ્યા પ્રમાણે આઇપીએલ છ શહેરોમાં ખાલી સ્ટેડિયમમાં રમાશે. અગાઉ આઇપીએલમાં દર્શકોની હાજરી રાખવાની પણ વાત સામે આવી હતી. દેશમાં ફરી એકવાર કોરોનાની બીજી લહેર આવી છે, જેના કારણે કેસોની સંખ્યા દરરોજ નવા રેકોર્ડ તોડી રહી છે. આ વાતને ધ્યાનમાં રાખીને બીસીસીઆઇ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જણાવ્યુ કે સામાન્ય રીતે આઇપીએલની ૫૬ મેચો દેશમાં મુંબઇ, ચેન્નાઇ, કોલકત્તા, બેગ્લુંરુ, અમદાવાદ અને દિલ્હીમાં રમાવવાની હતી, અને દર્શકોની સંખ્યાને લઇને પણ ખુલાસો થયો હતો પરંતુ હવે કોરોનાનુ સંક્રમણના કારણે ખાલી સ્ટેડિયમમાં મેચો રમાશે.
તાજેતરમાં જ અમદાવાદમાં થયેલી બીસીસીઆઇની બેઠકમાં આ વાત પર ચર્ચા કરવામા આવી અને ખાલી સ્ટેડિયમમાં મેચો રમાડવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. કોરોનાનો પ્રકોપ આઇપીએલ ફ્રેન્ચાઇઝીઓ પર પણ પડવા લાગ્યો છે. દિલ્હી કેપિટલ્સનો અક્ષર પટેલ, રૉયલ ચેલેન્જર્સનો દેવદત્ત પડિકલ કોરોના પૉઝિટીવ થયા છે, આ સાથે જ આઇપીએલના સ્ટાફ મેમ્બર્સ પણ કોરોનાથી સંક્રમિત થતા આઇપીએલ પર ખતરો ઉભો થયો છે. આઇપીએલ ૨૦૨૧ની સિઝનનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ૯ એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ અને રૉયલ ચલેન્જર્સ બેંગ્લૉરની ટક્કર સાથે જ ટૂર્નામેન્ટની શરૂઆત થશે. આ ટૂર્નામેન્ટ આ વખતે ભારતમાં જ રમાશે. લગભગ બે વર્ષ બાદ આઇપીએલ ભારતમાં પરત ફરી છે.લીગ સ્ટેજમાં દરેક ટીમ ચાર મેદાનો પર મેચો રમશે, ૫૬ લીગ મેચોમાંથી ચેન્નાઇ, કોલકત્તા, મુંબઇ અને બેંગ્લુંરમાં ૧૦-૧૦ મેચ રમાશે.આ ટૂર્નામેન્ટનું આ વખતે અમદાવાદ, બેંગ્લુરુ, ચેન્નાઇ, દિલ્હી, મુંબઇ અને કોલકત્તામાં આયોજન કરવામાં આવશે. અમદાવાદમાં ૮ મેચો રમાશે. આ વખતે આઇપીએલની ખાસિયત એ છે કે તમામ મેચો ન્યૂટ્રલ વેન્યૂ પર રમાશે. કોઇપણ ટીમ પોતાના ઘરેલુ મેદાન પર કોઇ મેચ નહીં રમે. દરેક ટીમ છથી ચાર મેદાનો પર પોતાની લીગ સ્ટેજ મેચ રમશે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આઇપીએલની પ્લેઓફ અને ૩૦ મે ૨૦૨૧એ ફાઇનલ રમાશે. આ સ્ટેડિયમમાં પહેલીવાર આઇપીએલ મેચ રમાશે.