સાબરકાંઠા, તા.૧૦ 

પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ફરજ બજાવતા સ્થાનિક કર્મચારીઓને છુટા કરવાના મામલે ચાલી રહેલા વિવાદમાં સ્થાનિક આગેવાનો નવી એજન્સી સાથે બેઠક કરી પાંચ દિવસમાં નિરાકરણ લાવવાની હૈયાધારણ આપવામાં આવી હતી. ત્યારબાદ પણ કોઇ નિરાકરણ નહીં આવતા કર્મચારીઓએ હંગામો મચાવી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. કતપુર ટોલપ્લાઝા ખાતે નવી એજન્સી આવતા જ સ્થાનિક કર્મચારીઓને છુટા કરી દેવામાં આવતા તેના કર્મચારીઓમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ૨૫ કર્મચારીઓને છુટા કરી દેવાતા ંતાજેતરમાં કર્મચારીઓ અને આસપાસના લોકોએ હંગામો મચાવ્યો હતો. પરંતુ આગેવાનોની મધ્યસ્થીથી બેઠક કરી મેનેજર અનુભવ શર્માએ ૫ દિવસમાં નિરાકરણ લાવવાની બાંહેધરી આપવામાં આવી હતી. ત્યારબાદ રવિવારે છુટા કરવામાં આવેલા કર્મચારીઓએ ટોલ પ્લાઝા પર આવી રજૂઆત કરી હતી પરંતુ દાતાર એજન્સીના વહીવટદારો ગલ્લા તલ્લા કરતા હોવાથી કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો. કતપુર અનવરપુરા, ઓરાણ, સીતવાડા, તાજપુર, કરોલ, વાઘપુર સહિતના અગ્રણીઓએ મામલો વધુ ન બીચકે તે માટે ટોલ મેનેજર સાથે વાતચીત કરી હતી.૨૦૦૪થી આ ટોલ પર સ્થાનિક યુવાનો ફરજ બજાવે છે ગમે તે એજન્સી આવી પણ સ્થાનિક યુવકોની જ ભરતી કરાય છે.