ઇન્ડિયન એરફોર્સના ત્રણ કર્મચારીની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપ હેઠળ ધરપકડ
01, જાન્યુઆરી 2021

દિલ્હી-

ઇન્ડિયન પીનલ કૉડની ત્રણ જુદી જુદી કલમ હેઠળ તેમની સામે આરોપ મૂકવામાં આવ્યા હતા. આ ત્રણ કલમોમાં દેશદ્રોહ, સરકારી ગુપ્ત બાબતોને લગતા કાયદાનું ઉલ્લંઘન અને ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવ ધારાનો સમાવેશ થયો હતો. આ ત્રણે ખાલિસ્તાની આતંકવાદ સાથે પણ જાેડાયેલા હોવાનો આક્ષેપ છે. એ લોકો પંજાબમાં કાયદો અને વ્યવસ્થા ખોરવી નાખવા માગતા હતા. 

આ લોકોએ પાકિસ્તાનની બદનામ ગુપ્તચર સંસ્થા આઇએસઆઇને હલવારા હવાઇ મથકના ફોટોગ્રાફ્સ મોકલ્યા હતા. આ લોકો પાકિસ્તાનથી ગેરકાયદે રીતે હથિયારો પ્રાપ્ત કરવા માગતા હતા. હથિયારોની ગેરકાયદે હેરફેરની પણ તેમની યોજના હતી. આ ત્રણેની ઓળખ રામ સિંઘ ( હલવારા મથકમાં ડિઝલ મિકેનીક તરીકે કામ કરતો હતો), સુખકિરણ સિંઘ અને શાબિર અલી તરીકે કરવામાં આવી હતી.

અત્રે એ નોંધનીય છે કે રામ સિંઘ હજુ તો થોડા મહિના પહેલાંજ કુવૈતથી ભારત પાછો ફર્યો હતો. લુઘિયાણા પોલીસના પ્રવક્તાએ આપેલી માહિતી મુજબ પહેલાં રામ સિંઘને ઝડપી લેવાયો હતો. બાકીના બેની ધરપકડ બુધવારે કરાઇ હતી. તેમને રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા. આ ત્રણમાં સુખકિરણ સિંઘ અગાઉ એક હત્યા કરવા માટે જેલમાં જઇ આવ્યો હતો. એણે રામદાસ સિંઘ પાસે હલવારા હવાઇ મથકની તસવીરો માગી હતી.

સુખકિરણ સિંઘ અને રામદાસ એવી ઇચ્છા રાખતા હતા કે શાબિર અલી તેમને આઇએસઆઇના એજન્ટ સાથે પરિચય કરાવે. પોલીસે વધુમાં કહ્યું કે આ ત્રણે કોઇ મોટા હુમલાની તજવીજમાં નહોતા ને એનો ખ્યાલ તેમની પૂછપરછ પછી આવશે. અત્રે એ યાદ કરવા જેવું છે કે પાંચ વર્ષ પહેલાં પંજાબમાં પઠાણકોટ હવાઇ મથક પર થયેલા આતંકવાદી હુમલામાં સાત જવાનો શહીદ થયા હતા. ત્યાર પછી આ પહેલી ઘટના હતી જેમાં પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલા ત્રણની ધરપકડ થઇ હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution