સુરેન્દ્રનગર, ચુડા તાલુકાના કારોલ ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. બે લોકોના ઘટનાસ્થળે તેમજ એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઉપરાંત અન્ય પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માતમાં બાઈક ફંગોળાઈને રોડની બાજુમાં બાવળની ઝાડીમાં ફેંકાઈ ગયું હતું. કાર મહાકાય વૃક્ષ સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં બાઈક ચાલક નિલેશભાઈ જાેગરાણા અને કારચાલક પાસે બેઠેલા ગોપાલભાઈ બાવળીયાનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યાં મોત નીપજયાં હતા. આ બાબતની જાણકારી પોલીસને થતા તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓની લાશને પીએમ અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બાઈક પર સવાર ૩ વ્યક્તિઓમાંથી બાઈક ચાલક નિલેશભાઈ નારાયણભાઈ જાેગરાણા (ઉ.વર્ષ ૨૦) રહે બોટાદનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ૧ વ્યક્તિને ઈજા પહોંચી હતી. ૨ વર્ષના બાળકનો આબાદ બચાવ થયો હતો. કારમાં બેઠેલા ૬ વ્યક્તિઓમાંથી ૧ વ્યક્તિનું ઘટનાં સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતમાં ૫ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને રવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં.