વેસ્ટ કેમિકલનો ગેરકાયદે નિકાલ કરતાઈંટોના ભઠ્ઠામાલિક સહિત ત્રણ ઝડપાયા
15, મે 2021

વડોદરા

વડુ પોલીસ મથકની હદમાં આવેલા ઈંટોના ભટ્ટાના માલિક દ્વારા ભટ્ટામાં વપરાયેલા વાતાવરણ માટે અત્યંત જાેખમી એવા વેસ્ટ કેમિકલને ઉંડો ખાડો ખોદી તેમા તેમજ ખેતરમાં ઢોળી દઈ ગેરકાયદે નિકાલ કરવાના કૈાભાંડનો જિલ્લા પોલીસની એસઓજીની ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે ભટ્ટાના માલિક સહિત ૩ની આ કૈાભાંડમાં અટકાયત કરી તેઓની પાસેથી ૧૩.૨૧ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વડુ પોલીસ મથકની હદમાં કણજટ ગામની સીમમાં આવેલા એસ.બી.જી. ઈંટોના ભટ્ટાના માલિક ઈંટો બનાવવા માટે બળતણ તરીકે ઉપયોગમાં લેવા માટે કેમિકલ વેસ્ટ ભરેલા બેરલો મંગાવે છે તેવી જિલ્લા પોલીસની એસઓજીને માહિતી મળતા પીઆઈ એ એ દેસાઈ સહિતની ટીમે ઉક્ત ભટ્ટા પર દરોડો પાડ્યો હતો. દરોડામાં ભટ્ટાનો માલિક ઘનશ્યામ પટેલ તેમજ એક ટ્રકચાલક અને ક્લિનર ત્યાં મળી આવ્યા હતા. પોલીસે ત્રણેયને સાથે રાખી તપાસ કરતા ત્યાં હાજર બે ટ્રકમાં અને ભટ્ટામાંથી વેસ્ટ કેમિકલ ભરેલા પ્લાસ્ટીક અને લોખંડના ૨૦૦ અને ૫૦ લીટરના ૧૮૧ બેરલ અને જમીન પર ઢોળેલો સોલીડ વેસ્ટ કેમિકલનો જથ્થો મળ્યો હતો. આ ત્રણેય ભટ્ટાથી આશરે એકાદ કિલોમીટર દુર સીમમાં નિર્જન જગ્યાએ આશરે ૨૦૦ ફુટ ઘેરાવનો ૪૦ ફુટ ઉંડો ખાડો ખોદી તેમાં પ્રવાહી વેસ્ટ કેમિકલને ઠાલવીને નિકાલ કર્યાની ચોંકાવનારી કબૂલાત કરતા પોલીસે ઉક્ત સ્થળે તપાસ કરી વેસ્ટ કેમિકલ ભરેલું મીની તલાવ પણ શોધી કાઢ્યું હતું. પોલીસે આ ત્રિપુટી પાસેથી વેસ્ટ કેમિકલ ભરેલા ૧૮૧ બેરલો, બે ટ્રક, બે મોબાઈલ ફોન સહિત કુલ ૧૩,૨૧,૩૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પાનોલીની પ્રોલાઈફ ઈન્ડ. લિમિટેડ કંપનીમાંથી કેમિકલ વેસ્ટ ભઠ્ઠામાં આવેલું

વેસ્ટ કેમિકલનો ગેરકાયદે નિકાલ કરવા માટે ઈંટોના ભટ્ટામાં તેનો બળતણ તરીકે ઉપયોગ કરી તેમજ પ્રવાહી વેસ્ટ કેમિકલને તળાવ બનાવી તેમાં ઠાલવીને વાતાવરણ અને જમીન પ્રદુષિત કરનાર ભટ્ઠામાલિક ઘનશ્યામ ચીમનભાઈ પટેલ (પટેલવાડી પાસે, ગજેરા,તા.જંબુસર), ડ્રાઈવર મણીલાલ કાળીદાસ પટેલ (રબારીવાસ, મક્તમપુરા,તા.ઉંઝા), ક્લિનર ભાવેશ ગોકળજી ઠાકોર (સુરપુરા, તાં.ઉંઝા, મહેસાણા) કેમિકલ મંગાવનાર સગીરભાઈ પઠાણ તેમજ પાનોલી ખાતેની પ્રોલાઈફ ઈન્ડસ્ટ્રીઝ લી.કંપનીમાંથી વેસ્ટ કેમિકલ ભરાવનાર ઈસમ અને કંપનીના જવાબદાર અધિકારી-કર્મચારીઓ સામે એસઓજી પોલીસે વડુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution