04, જાન્યુઆરી 2021
દે.બારીયા, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના હડમત ગામે રોડ પર ગત સાંજે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બે મોટર સાયકલ સામસામે ધડાકાભેર અથડાતા બંને મોટરસાયકલ પર બેઠેલા કુલ પાંચ જણા પૈકી ત્રણ જણા નું ઘટનાસ્થળે જ મોત નિપજયાનું તથા બે જણાને ગંભીર ઇજાઓ થતા તેઓને સારવાર માટે નજીકના દવાખાને લઇ જતા તે બંનેને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ ગોઝારા અકસ્માત અંગે પ્રાપ્ત વિગત અનુસાર એક મોટરસાયકલ ચાલક તેના કબજાની જીજે.૧૭.એપી.૯૮૧૧ નંબરની હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ ગતરોજ મોડી સાંજે છ વાગ્યાના સુમારે પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ જઈ રહ્યો હતો. તે વખતે હડમત ગામે રોડ પર સામેથી આવતી લખણપુર ગામના અરવિંદભાઈ ભાથુભાઈ ચારેલના છોકરા દિપક ચારેલ ની મોટરસાયકલ સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સ્પેલેન્ડર મોટરસાયકલ પર બેઠેલા ચાલક સહિત ત્રણ જણા તેમજ બીજી મોટરસાયકલ પર બેઠેલા દિપક ચારેલ તથા તેના પિતરાઈ ભાઈ કમલેશ ચારેલ એમ કુલ પાંચ જણા મોટર સાયકલ પરથી ફંગોળાઇ રોડ પર પટકાતા પાંચેય જણાને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા પાંચ પૈકી લખાણપુર ગામના દિપક અરવિંદભાઈ ચારેલ તથા હીરો હોન્ડા મોટરસાયકલ પર પાછળ બેઠેલ બે જણા મળી કુલ ત્રણ જણાનું સ્થળ પર જ અરેરાટી ભર્યુ મોત નિપજયું હતું. જ્યારે સ્પેલન્ડર મોટરસાયકલનાં ચાલક તથા લખણપુર ગામના કમલેશ ચારેલને સારવાર માટે ૧૦૮ મારફતે સુખસર સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ ગંભીર ઇજાઓ જાેતા તેઓને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ સંબંધે લખણપુર ગામના મરણ જનાર દિપક ચારેલના પિતા અરવિંદભાઈ ભાથુભાઈ ચારેલએ નોંધાવેલી ફરિયાદના આધારે સુખસર પોલીસે ફેટલ નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતથી અરેરાટી વ્યાપી હતી.