દિલ્હી-

ફ્રાન્સમાં ત્રણ પોલીસકર્મીને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, જ્યારે ચોથો પોલીસ જવાન ઘાયલ થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફાયરિંગની આ ઘટના મધ્ય ફ્રાંસના પુય-ડે-ડોમે-વિસ્તારમાં બની છે. સરકારી વકીલની કચેરીના સૂત્રોએ આ જીવલેણ હુમલો અંગે માહિતી આપી છે. ફ્રેન્ચ પોલીસે આ વિસ્તારને ઘેરી લીધો છે અને તપાસ ચાલુ છે.

બુધવારે રાત્રે આ ઘટના બની હતી. સમાચાર એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર ઘરેલુ હિંસાની માહિતી મળ્યા બાદ આ પોલીસકર્મીઓ આ વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યારે તેણે મહિલાને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે 48 વર્ષિય વ્યક્તિએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. જેમાં 3 પોલીસકર્મીઓનું તાત્કાલિક મોત નીપજ્યું હતું જ્યારે ચોથો પોલીસ કર્મચારી પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. 

ઇજાગ્રસ્ત પોલીસકર્મીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની હાલત નાજુક છે. પોલીસે વિસ્તારને ઘેરી લીધો હતો અને ઘટના અંગે તપાસ શરૂ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલાએ ટેરેસ પર આશરો લીધો હતો અને ઘરની અંદર આગ લાગી હતી. જ્યારે પોલીસકર્મીઓએ ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો ત્યારે એક 48 વર્ષિય વ્યક્તિએ ગોળીબાર કર્યો. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે.