વડોદરા

ડ્રગ્સનો નશો કરવા માટે યુવાઓમાં પહેલું પગથિયું ગણાતા પ્રતિબંધિત ઈન્જેકશનોનો મોટો જથ્થો ઝડપી પાડવામાં એસઓજીને સફળતા મળી છે. દેવ એન્ટરપ્રાઈઝ નામની ફર્મ ખોલી ચોકલેટ અને સેનિટરી પેડની આડમાં યુવાધનને બરબાદ કરતાં આ પ્રતિબંધિત નશાકારક ઈન્જેકશનોના વેપલા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોને ઝડપી પાડી એસઓજી પોલીસે એનડીપીએસ હેઠળ ગુનો નોંધ્યો છે, જ્યારે ૯૦૬ ઈન્જેકશન સહિત રિક્ષા, મોબાઈલ અને કાર મળી કુલ રૂા.૬ લાખનો મુદ્‌ામાલ કબજે કર્યો છે.

શહેરના યુવાનોને નશીલા ઇન્જેક્શનના ઝડપાયેલા કૌભાંડ અંગે એસઓજી પોલીસને શહેરના મદનઝાંપા રોડ ઉપર ૩૦૩, આવિષ્કાર કોમ્પ્લેક્સમાં રહેતો વિજયકુમાર જગદીશ પંચાલ પોતાની ઓટોરિક્ષામાં યુવાધનને ખોખલું કરતાં નશીલા પ્રતિબંધિત પેન્ટાઝોશિન લેક્ટેટ ઇન્જેક્શનોનો જથ્થો લઇને સૈયદ વાસણા રોડ ઉપર મધર સ્કૂલ પાસે સૂરજ રમેશ પટેલને આપવા માટે જવાનો છે એવી બાતમી મળી હતી.

આ બાતમીના આધારે સ્ટાફના પોલીસ જવાનોએ રોઝરી સ્કૂલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન હોન્ડા કારમાં વિજયકુમાર પંચાલ પાસે ઇન્જેક્શનની ડિલિવરી લેવા માટે આવી પહોંચેલા સૂરજ રમેશ પટેલ (રહે. બી-૩૩, લક્ષ્મીનારાયણ સોસાયટી, મધર સ્કૂલ પાછળ, સૈયદ વાસણા રોડ) અને હરીશ જગદીશ પંચાલ (રહે. એફ/એફ- ૧૦૧, મહાકાશી કોમ્પ્લેક્સ, વાડી વચલી પોળ)ને દબોચી લીધા હતા.

પીઆઇ એસ.જી.સોલંકીના જણાવ્યા મુજબ રોઝરી સ્કૂલ પાસેથી ધરપકડ કરવામાં આવેલી ત્રિપુટી પાસેથી રૂા.૨૭,૧૮૦ની કિંમતનાં ૯૬૦ ઇન્જેક્શનો, રૂા.૧૮,૦૦૦ રોકડા, બે મોબાઇલ ફોન, ઓટોરિક્ષા અને હોન્ડા કાર સહિત રૂપિયા ૮,૧૦,૧૮૭નો મુદ્દામાલ જપ્ત કરી ધરપકડ કરવામાં આવી છે. યુવાધનને નશીલા ઇન્જેક્શનના રવાડે ચઢાવનાર ત્રિપુટી પેન્ટાઝોશિન લેક્ટેટ ઇન્જેક્શન રાજ્ય બહારથી ચોકલેટ અને સેનિટરી પેડની આડમાં જથ્થાબંધ લાવતા હતા અને વડોદરામાં નશાના રવાડે ચઢેલા યુવાનોને રૂા.૧૦૦થી રૂપિયા ૧૫૦માં વેચાણ કરતા હતા. આ ઇન્જેક્શન એનેસ્થેસિયા આપનાર તબીબો દ્વારા વાપરવામાં આવે છે, જે પ્રતિબંધિત છે.

નશાના રવાડે ચઢેલા આ યુવાનો નશામાં રહેવા માટે નશાખોર યુવાનો પેન્ટાઝોશિન લેક્ટેટ નામના આ ઇન્જેક્શનોનો નશો કરતા હોય છે. વડોદરામાં નવલખી મેદાન, સમા-સાવલી રોડ ઉપર બ્રિજ નીચે નશાખોર યુવાનોના સ્પોટ હોય છે. આ ઇન્જેક્શનોનો નશો કરતા યુવાનો જાતે જ પોતાના શરીરમાં લેતા હોય છે અને નશો કરતા હોય છે. શહેરનું યુવાધન આ ઇન્જેક્શનોના રવાડે ચઢેલું છે. ત્યારે એસઓજી દ્વારા નશીલા ઇન્જેક્શનોના ચાલી રહેલા નેટવર્કનો પર્દાફાશ કરતાં ખબર પડી કે નશાયુક્ત ઇન્જેક્શનોનો વેપલો કરતા અને નશો કરતા યુવાનોમાં ગભરાટ ફેલાઇ ગયો છે. ઝડપાયેલી ત્રિપુટીની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવે એવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.