અમીરગઢ બોર્ડર પર ગુનાહિત પ્રવૃતિઓમાં વધારો થતા ચુસ્ત બંદોબસ્ત, વાહન ચેકિંગ કરાયા
24, સપ્ટેમ્બર 2020

બનાસકાંઠા-

કોરોના મહામારીના સમયમાં બનાસકાંઠા અમીરગઢ બોર્ડર પર ક્રાઈમની પ્રવૃતિઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે પોલીસે સઘન બંદોબસ્ત અને વાહન ચેકિંગની કામગીરી શરૂ કરી આ પ્રવૃત્તિને અટકાવવામાં સફળતા મેળવી છે.

ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલા બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર સૌથી વધુ અગત્યની ગણાય છે. રાજસ્થાન, યુપી અને પંજાબ તરફથી ગુજરાતમાં આવતા મોટા ભાગના લોકો આ બોર્ડર પરથી જ પ્રવેશ કરતા હોય છે, ત્યારે આ બોર્ડર તેના મહત્વની સાથે સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પણ આગળ મનાય છે અને કોરોના મહામારીના સમયમાં પણ આ બોર્ડર પર ગેરકાયદેસર ઘટનાઓ વધી ગઈ છે. તાજેતરમાં જ અમીરગઢ બોર્ડર પરથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 1 રિવોલ્વર અને 36 જીવતા કારતૂસ સહિત 4 પરપ્રાંતિય લોકોની અટકાયત કરી હતી. આ લોકો મહારાષ્ટ્રમાં એક જમીનના કેસની પતાવટમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન પોલીસે આ ચારેય શખ્સની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. કોરોના મહામારીના સમયમાં પણ આ બોર્ડર પર દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરતા તત્વો સામે પણ પોલીસે તવાઈ વરસાવી છે અને છેલ્લા 4 મહિનાની અંદર જ આર્મ એક્ટ મુજબ એટલે કે, રિવોલ્વર અને કારતૂસ સાથે ઝડપાયેલા અલગ અલગ 4 કેસ છે. આ સિવાય અફીણ અને ચરસ જેવા ગંભીર ગુનાઓને અંજામ આપનારા તત્વોને પણ પોલીસે અટકાવ્યા છે. આમ કોરોના મહામારીના સમયમાં પણ પોલીસની સતર્કતા અને સઘન વાહન ચેકીંગના કારણે બનાસકાંઠા જિલ્લા પોલીસને દેશ વિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા સફળતા મેળી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution