02, જુલાઈ 2021
દિલ્હી-
તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ માંગ કરી છે કે ભારતના સોલિસીટર જનરલ તુષાર મહેતાને પદ પરથી હટાવવામાં આવે. મહેતા અને ભાજપના નેતા શુભેન્દુ અધિકારી વચ્ચેની બેઠક બાદ ટીએમસીએ આ માંગ કરી છે. ટીએમસી સાંસદોએ આ મામલે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. સાંસદોએ પત્રો લખી તુષાર મહેતાને હટાવવાની વિનંતી કરી હતી. સાંસદોએ એસજી મહેતા અને ભાજપના નેતા શુભેન્દુ અધિકારી વચ્ચે બેઠકને "હિતોનો સંઘર્ષ" ગણાવી હતી. વડા પ્રધાનને મોકલવામાં આવેલા પત્રમાં અધિકારીને વિવિધ ગુનાહિત કેસોના આરોપી ગણાવ્યા છે.
ઉલ્લેખનિય છે કે ગુરુવારે શુભેન્દુ અધિકારી દિલ્હી ગયા હતા અને ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. આ પછી તેઓ તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદ દિનેશ ત્રિવેદી અને સોલિસિટર જનરલ તુષાર મહેતાને પણ મળ્યા. જોકે, આ બેઠક કયા મુદ્દે યોજાઈ તે અંગે હજી કોઈ માહિતી નથી.
TMCના પ્રવક્તા કુણાલ ઘોષે કર્યા પ્રશ્નો
ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે તુષાર મહેતા સાથે શુભેન્દુની મુલાકાતની નિંદા કરી હતી અને પૂછ્યું હતું કે નારદ કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન માટે પક્ષ મુકનાર સોલિસિટર જનરલ આ જ કેસમાં કથિત આરોપીને કેવી રીતે મળી શકે છે. ઘોષે કહ્યું કે, મહેતા નારદ કેસમાં સીબીઆઈના વકીલ છે અને તે શુભેન્દુ અધિકારીને મળી રહ્યા છે, જેનું નામ નારદ કેસમાં એફઆઈઆરમાં છે. શું થઇ રહ્યું છે? તેની (શુભેન્દુ અધિકારિક) તાત્કાલિક ધરપકડ થવી જોઈએ.
નોંધનીય છે કે નારદ સ્ટિંગ ઓપરેશન 2014માં નારદ ન્યૂઝના પત્રકાર મેથ્યુ સેમ્યુઅલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં તૃણમૂલ કોંગ્રેસના કેટલાક પ્રધાનો, સાંસદો અને ધારાસભ્યો લાભ આપવાને બદલે પૈસા લેતા જોવા મળે છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળના બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું, 'તેઓ કેમ દિલ્હી ગયા તે મને ખબર નથી. કદાચ તેમની પાસે કેટલાક સૂચનો છે જે તેઓ કેન્દ્રીય નેતાઓને જણાવવા ગયા છે.