વડોદરા : વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી સતત પડી રહેલા વરસાદને લઈને ચારેકોર ગંદકી,ભૂવાઓ અને અધૂરા છોડેલા કાર્યોની વણઝાર સર્જાઈ છે.આને લઈને વ્યાપક પ્રમાણમાં કાઉન્સિલરો,શહેરીજનો અને અન્યોની ફરિયાદો આવતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્‌યા હતા.ત્યારે હવે રહી રહીને પાલિકાના નવનિયુક્ત કમિશ્નર સ્વરૂપ.પી.એ આ સમસ્યાઓના પ્રશ્નો ઉકેલવાને માટે એક્શન મોડમાં આવી પોતાનું અસલી સ્વરૂપ અધિકારીઓને બતાવીને વરસાદની સ્થિતિમાં સફાઈ અને ઇજનેરી કામો અંગે વિવિધ સ્થળોની મુલાકાત લઇ અધિકારીઓને ઠપકાયાઁ હતા. તેમજ તાકીદે અધૂરી કામગીરી પુર્ણ કરવા માટે ટકોર કરીને ભાવિ આયોજન બાબતોની પણ ચર્ચા કરી હતી.જેને લઈને પાલિકાના અધિકારીઓમાં હલચલ મચી જવા પામી છે.કમિશ્નર જાતે શહેરની સફાઈ અને અન્ય કામગીરીને લઈને મેદાનમાં ઉતરતા અધિકારીઓ પણ આળસ ખંખેરીને કુંભકર્ણની નિંદ્રામાંથી એકાએક એક્શન મોડમાં આવી ગયા છે. પાલિકા કમિશ્નર દ્વારા જુના પાદરા રોડ, શહેર ફરતેના રિંગ રોડ, વોર્ડ -૯ ના વિવિધ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. આ ઉપરાંત પાલિકાના સ્પોટ કલેક્શન સેન્ટરની કામગીરી સાથે હાજરીની વિગતો મેળવી હતી.તેમજ જે તે વોર્ડના સેનેટરી વિભાગના સટાફ દ્વારા થતી રોજિંદી સફાઈનું નિરીક્ષણ કરીને ત્રુટીઓ બાબતે સૂચનો કર્યા હતા.આ ઉપરાંત ઈજનેર વિભાગની વિવિધ કામગીરીઓ બાબતે જે તે ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર, કાર્યપાલક ઈજનેર, આસિસ્ટન્ટ મ્યુનિ.કમિ. વગેરે અધિકારીઓ પાસે માહિતી મેળવી હતી.તેમજ આગામી દિવસોમાં શહેરીજનોની સવલતો અને વરસાદી ઋતુને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કામગીરી હાથ પાર લેવા જણાવ્યું હતું.એની સાથોસાથ નાગરિકોની ફરિયાદો પરત્વે પૂરતું ધ્યાન આપીને એનો સત્વરે નિકાલ કરવાની સૂચના પણ આપી હતી.