વડોદરા

આવતીકાલ તા.ર૬ ને ગુરુવારે કાર્તિકી એકાદશી એટલે કે દેવઊઠી અગિયારસ છે. ત્યારે માંડવી સ્થિત ઐતિહાસિક ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો કોરોનાની મહામારીના કારણે આ વરસે નહીં નીકળે. જાે કે, મંદિર પરિસરમાં જ સાદગીપૂર્વક ગણતરીના લોકોની ઉપસ્થિતિમાં વરઘોડો નીકળશે. જ્યારે સાંજે સાદગીપૂર્વક શાસ્ત્રોક્તવિધિ સાથે ભગવાનના તુલસીજી સાથે વિવાદ થશે.

વર્ષમાં બે વખત દેવપોઢી અગિયારસ અને દેવઊઠી અગિયારસ આવે છે. દેવપોઢી અગિયારસ અને દેવઊઠી અગિયારસ એક બે વખત માંડવી સ્થિત દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત ઐતિહાસિક ભગવાન વિઠ્ઠલનાથજી મંદિરનો વરઘોડો નીકળે છે. ભગવાન વિઠ્ઠલનાથજી ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળે છે પરંતુ આ વરસે કોરોનાની મહામારીને કારણે અષાઢી અગિયારસે મંદિર પરિસરમાં જ ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો.દિવાળી પર્વ બાદ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ત્યારે દેવસ્થાન ટ્રસ્ટ અને મંદિર પરિવાર દ્વારા આવતીકાલે દેવઊઠી અગિયારે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો સાદગીપૂર્વક મંદિરના પ્રાંગણમાં જ કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરમાં વરઘોડાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. મંદિરના પ્રાંગણમાં આકર્ષક રંગોળી બનાવવામાં આવી છે તેમજ ભગવાનની પાલખીને શણગારવામાં આવી છે.

મંદિરના પુજારી હરિઓમ વ્યાસે જણાવ્યું હતું કે, આ વરસે કોરોનાના કારણે જૂજ ભક્તોની હાજરીમાં મંદિરના પરિવારમાં જ વરઘોડો કાઢવામાં આવશે અને સાંજે ૬ થી ૮ ભગવાનના તુલીસજી સાથે શાસ્ત્રોક્ત વિધિથી વિવાહ થશે.