ભરૂચ, તા.૮

ઉત્તરાયણનો તહેવાર નજદીક આવી રહ્યો છે ત્યારે બીજી તરફ પતંગની દોરીથી થતી ઇજાઓ પણ વધી રહી છે. ભરૂચ પતંગોના રસિયાઓ પતંગ ચગાવી રહ્યા છે ત્યારે કાપયેલ દોરીઓથી લોકોના જીવને જાેખમ પણ વધી રહ્યું છે. બી-૧/૫૬, અરુણોદય સોસાયટી, ઝાડેશ્વર રોડ ખાતે રહેતી અંકિતા હિરેનકુમાર મિસ્ત્રી ઉ.વ. ૩૦ સાંજે ૫ઃ૩૦ વાગ્યે એક્ટિવ ગાડી નં. જીજે-૧૬-બીએ-૪૯૩૫ લઈ ઝાડેશ્વર તરફથી શક્તિનાથ તરફ જઈ રહી હતી. દરમિયાન. એકાએક પતંગનો દોરો ગળાના ભાગે આવી જતા જતા ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના કારણે મહિલા ચાલુ ગાડીએ નીચે પડી જતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જાેકે બ્રિજ પર પસાર થતા અન્ય વાહન ચાલકોએ ૧૦૮ એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો. ૧૦૮ એમ્બ્યુલન્સ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ગંભીર રીતે ઘાયલ મહિલાને સ્થળ પરથી લઈને આવતા તપાસ કરતા હાજર તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી. જાેકે આ વાત વાયુવેગે પંથકમાં પ્રસરતાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બાદમાં મૃત મહિલાનું પી.એમ. કરી મૃતદેહને પરિજનોને સોંપવામાં આવ્યો હતો. બીજી તરફ માતા અને નાની પુત્રી એક જ એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા પણ સાથે રહેલ નાની બાળકીનો ઘટના દરમિયાન આબાદ બચાવ થયો હતો.