વડોદરા-

બાપોદ રોડ વૈકુંઠ પાસે આવેલ શ્રીજી દર્શન એપાર્ટમેન્ટમાં લીફ્ટ રીપેરીંગનું કામ કરતી વખતે લીફ્ટનો કેબલ તુટી જતા લીફ્ટ તળે કારીગર દબાય જતા તેનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના હાથીખાના અંબર એપાર્ટમેન્ટમાં રહેતો એઝાઝ અલ્લારખ્ખા ધોબી (ઉ.૨૨)એ આઇ.ટી.આઇ કર્યા બાદ છેલ્લા એક દોઢ વર્ષથી ખાનગી સ્કાય લાઇન નામની લીફ્ટ ફિટીંગ કરતી ખાનગી કંપનીમા કામ કરતો હતો. આ કંપનીનું કામ હાલ બાપોદ વૈકુંઠ પાસે આવેલ શ્રીજી દર્શન એપાર્ટમેન્ટમાં લીફ્ટ રીપેરીંગનું કામ ચાલતું હતું જ્યા એઝાઝ ધોબી એકલો લીફ્ટ રીપેરીંગનું કામ કરતો હતો. આ દરમિયાન બપોરના દોઢ એક વાગે લીફ્ટનો કેબલ એકા એક તુટ્યો હતો જેથી ઉપરથી નીચે ઝડપભેર આવી રહેલી લીફ્ટની વચ્ચે એઝાઝ ધોબી ફસાય જતા ઘટના સ્થળ પર કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ તેના પરિવારજનોને થતા તેઓ બનાવ સ્થળે દોડી ગયા હતાં. જ્યા કંપનીના માલિકે તેની સાથે કોઇ પણ વ્યક્તિ ન હોવાથી પરિવારજનોમા ભારે રોષની લાગણી વ્યાપી હતી. પરિવારજનોએ એઝાઝની ડેડબોડીને એમ્બ્યુલન્સમા સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી ત્યાર બાદ આકસ્મીક મોતના બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી.