વડોદરા : વડોદરા શહેરના મેડિકલ કોલેજમાં એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા તબીબનું એક ગ્રૂપ સાવલી તાલુકાના રસુલપુરા ગામે પ્રવાસે ગયું હતું. એ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ રસુલપુરા ગામની નદીના વહેતા પાણીમાં નહાવા માટે ઉતરતાં ત્રણ વિદ્યાર્થીઓ તણાયા હતા, જે પૈકી એક વિદ્યાર્થિની સહિત બે વિદ્યાર્થીઓ ડૂબી જતાં મોતને ભેટયા હતા, જ્યારે એક તબીબ વિદ્યાર્થીને ગામના લોકોએ બચાવી લીધો હતો. આ બંને વિદ્યાર્થીઓના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ બનાવને પગલે તબીબ વિદ્યાર્થી આલમમાં ભારે ચકચાર મચી જવા પામી હતી અને શોકની લાગણી વ્યાપી ગઇ હતી.

આ અંગે માહિતગાર સૂત્રો દ્વારા બનાવની પ્રાપ્ત વિગત મુજબ વડોદરા શહેરમાં આવેલ મેડિકલ કોલેજમાં એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી સિદ્ધિ નિમેષભાઈ શાહ (ઉં.વ.૨૦ રહે. જીતાન રોડ, તા.વઢવાણ, જિ.સુરેન્દ્રનગર) અને અમોઘ ગોહિલ (ઉં.વ.૨૦ રહે. રાધાક્રિષ્ણા સોસાયટી, પાર્લે પોઈન્ટ, સુરત) સહિત ૧૨ વિદ્યાર્થીઓનું ગ્રૂપ શનિ-રવિની વિકેન્ડ રજામાં સાવલી તાલુકાના રસુલપુરા ગામે નદી કિનારે ફરવા માટે ગયા હતા. જ્યાં કેટલાક તબીબ વિદ્યાર્થીઓ નદીના ખળખળ વહેતા પાણીમાં નાહવાની ઈચ્છા થતાં તેઓ નાહવા માટે નદીમાં ઉતર્યા હતા. જાે કે, નદીમાં પાણીનું વહેણ હોવાથી નદીમાં મોજમસ્તીનો આનંદ લૂંટી રહેલ સિદ્ધિ નિમેષભાઈ શાહ અને અમોઘ ગોહિલ સહિત અન્ય એક તબીબ વિદ્યાર્થી નદીના પાણીના વહેણમાં ડૂબી ગયા હતા, જેથી તેઓએ બૂમાબૂમ કરી હતી. જાે કે, નદીકિનારે હાજર કેટલાક સ્થાનિક વ્યક્તિઓએ આ ત્રણેય તબીબ વિદ્યાર્થીઓને બચાવવા માટે નદીમાં કૂદ્યા હતા જેમાં એક વિદ્યાર્થી હાથમાં આવી જતાં તેનો બચાવ થયો હતો. જ્યારે સિદ્ધિ શાહ અને અમોઘ ગોહિલ પાણીના વહેણમાં ડૂબીને લાપતા બનતાં મોતને ભેટયા હતા. આ બનાવને નજરે જાેનાર તબીબી વિદ્યાર્થીઓએ બૂમાબૂમ કરી મૂકી હતી અને ગભરાઈ ગયા હતા. જાે,કે, આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતાં ફાયરબ્રિગેડના સ્ટાફે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતાં ૧૦૮ એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. ૧૦૮નો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ તબીબ વિદ્યાર્થીઓને પાણીમાંથી બહાર કાઢયા બાદ બેભાન હાલતમાં સારવાર માટે સાવલી ખાતે આવેલ સ્થાનિક જન્મોત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં આ વિદ્યાર્થીઓનો શ્વાસોચ્છ્‌વાસ ચાલતો હોવાથી તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે સિદ્ધિ શાહ તથા અમોઘ ગોહિલને મૃત જાહેર કર્યા હતા. આ બનાવને પગલે મેડિકલ કોલેજમાં તબીબી વિદ્યાર્થીઓમાં ઘેરાશોકની લાગણી વ્યાપી ગઈ હતી અને મોટી સંખ્યામાં તબીબી વિદ્યાર્થીઓ સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ બનાવની જાણ પોલીસ તેમજ તેમના વાલીઓને કરવામાં આવ હતી. હાલના તબક્કે મૃત બંને તબીબ વિદ્યાર્થીઓના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં ખસેડવામાં આવ્યા હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું છે.