મુંબઇ 

અક્ષય કુમાર તથા કિઆરા અડવાણીની ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં અક્ષય પોતાના બિંદાસ કોમેડી અંદાજમાં જોવા મળ્યો છે. 3 મિનિટ 40 સેકન્ડનું આ ટ્રેલર જોઈને ચાહકોને 'ભૂલ ભૂલૈયા' તથા 'સ્ત્રી' ફિલ્મ યાદ આવી જશે. આ ફિલ્મ નવ નવેમ્બરના રોજ OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.

ફિલ્મના ટ્રેલર રિલીઝ પર કિઆરાએ કહ્યું હતું, 'જ્યાં સુધી ચિનગારી નહીં લાગે તો બોમ્બ કેવી રીતે ફૂટશે? હું તથા અક્ષય કુમાર આવી રહ્યા છીએ. #લક્ષ્મીબોમ્બના ટ્રેલરની સાથે માત્ર ત્રણ કલાકમાં. તૈયાર રહો.' અક્ષય કુમારે કહ્યું હતું, 'હું અને કિઆરા #લક્ષ્મીબોમ્બ ટ્રેલરની રાહ જોઈ રહ્યાં છીએ. માત્ર ત્રણ કલાક બાકી રહ્યા. ટ્રેલર આજે 12.30 વાગે આવશે.' હસાવશે, ડરાવશે તથા પરિવારની સાથે ધમાલ મચાવશે

આ ફિલ્મના ટ્રેલર સાથે જોડાયેલી અન્ય પોસ્ટ શૅર કરતા ગુરુવાર, 8 ઓક્ટોબરના રોજ બંને સ્ટાર્સે કહ્યું હતું, 'હસાવશે, ડરાવશે અને તમારા ઘરના લોકોની સાથે મળીને સૌથી મોટી ધમાલ જોશો આવતીકાલે.' 16 સપ્ટેમ્બરના રોજ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. અક્ષય કુમાર સાડીમાં જોવા મળ્યો હતો અને બેકગ્રાઉન્ડમાં અવાજ સંભળાતો હતો કે 'આજ સે તેરા નામ લક્ષ્મણ નહીં લક્ષ્મી હોગા.'

અક્ષયે કહ્યું હતું, 'આ દિવાળીએ તમારા ઘરમાં 'લક્ષ્મી'ની સાથે સાથે એક ધમાકેદાર 'બોમ્બ' પણ આવશે. 'લક્ષ્મી બોમ્બ' નવ નવેમ્બરના રોજ, માત્ર ડિઝની પ્લસ હોટસ્ટાર પર'. ટીઝરમાં સ્ક્રીન પર લખાઈને આવતું હતું, 'જ્યારે સમાજથી હાંકી કઢાયેલો વ્યક્તિ એકદમ હિંસક બની જાય છે.'

આ ફિલ્મમાં અક્ષય તથા કિઆરા ઉપરાંત તુષાર કપૂર, શરદ કેલકર, અશ્વિની કલ્સેકર જેવા કલાકારો છે. ફિલ્મને ડિરેક્ટર રાઘવ લોરેન્સે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ તમિળ ફિલ્મ 'કાંચના'ની હિંદી રીમેક છે. 'લક્ષ્મી બોમ્બ' પહેલા 22 મે, 2020ના રોજ રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાને કારણે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને થિયેટર બંધ થઈ ગયા હતા. હવે 15 ઓક્ટોબરના રોજ થિયેટર ખુલી રહ્યા છે.