ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ, મોરબીમાં EVM સ્ટ્રોન્ગ રૂમમાં રખાયા
07, ઓક્ટોબર 2020

રાજકોટ-

કેન્દ્રિય ચૂંટણી પંચે ગુજરાતનીઆઠ વિધાનસભા બેઠકો ઉપર પેટા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. અબડાસા, ધારી, લિંબડી, કરજણ, ઓલપાડ, ગઢડા, ડાંગ, મોરબી વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચના મતે 3 નવેમ્બરે મતદાન યોજાશે અને 10 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે. મોરબીમાં ચૂંટણી પંચ અને વહિવટી તંત્ર દ્વારા મોરબી માળીયા વિધાનસભા 65 પેટા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે.

મોરબીમાં જીલ્લા કલેકટર જે.બી. પટેલ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં ઇવીએમ પ્રથમ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી 3 નવેમ્બરે મોરબી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે. ત્યારે ચૂંટણી પહેલા ઇવીએમ રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. જે ચૂંટણી પંચના નિયમોનુસાર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ તેમજ મોરબીના વિવિધ રાજકીય પક્ષોની હાજરીમાં વેર હાઉસમાંથી મોરબી પોલીટેક્નીક કોલેજ ખાતે સીસીટીવીથી આવરી લેવામાં આવેલા નિયત કરાયેલ સ્ટ્રોન્ગ રૂમમાં રાખવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

મોરબી વિધાનસભા બેઠક માટે 412 મતદાન મથક નક્કી કરવામાં આવ્યા છે. તદ્દનુસાર 140 ટકા લેખે 577 જેટલા બેલેટ યુનિટ અને 577 કંટ્રોલ યુનિટ અને 150 ટકા લેખે 618 વીવીપેટ યુનિટ ફાળવવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડ, મોરબી પ્રાંત અધિકારી અને મોરબી માળીયા બેઠકના ચુંટણી અધિકારી ડી.એ. ઝાલા સહિત જિલ્લા ચૂંટણી શાખાના અધિકારીઓ, કર્મચારીઓ, જિલ્લા સહિત રાજકીય પક્ષના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution