13, ઓક્ટોબર 2021
દાહોદ : બોગસ આદિ જાતિ પ્રમાણપત્રનો ઉપયોગ કરી વિધાનસભાની ચૂંટણી જીતી આદિજાતિ મંત્રી પદ મેળવનાર નિમિષાબેન સુથાર અને તેઓને ટિકિટ માટે તથા મંત્રી બનાવવા માટે ભલામણ કરનાર દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના પૂતળાનું આજરોજ દાહોદના મુવાલીયા ચોકડી હાઈવે પર આદિવાસી સમાજના કાર્યકરોએ ભાજપ વિરોધી સૂત્રોચાર સાથે સહન કરી પોતાનોરોષ વ્યક્ત કર્યો હતો. બોગસ આદિજાતિ પ્રમાણપત્રને સથવારે ચૂંટણી જીતી પ્રધાનપદું મેળવનારા નિમિષાબેન સુથારનો સમસ્ત આદિવાસી સમાજના તમામ સંગઠનોએ વિરોધ કરી રાજ્યમાં આદિવાસી બાહુલ્ય ધરાવતા તમામ તાલુકાઓમાં નિમિષાબેનને મંત્રી પદે થી દૂર કરવાની માગણી સાથે ઠેરઠેર આવેદનપત્ર અપાયા અને તે વાતને આજે પંદર દિવસ બાદ પણ સરકાર દ્વારા સકારાત્મક ર્નિણય લેવાતા આદિવાસી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. તેવા સમયે ખાનગી શાળાના ઉદ્ઘાટન પ્રસંગે દાહોદ આવેલા ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પોતાના વક્તવ્યમાં નિમિષાબેન સુથારની ટિકિટ તથા મંત્રી પદ માટે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે ભલામણ કરી હતી. તેમ જણાવતા ભાજપ પ્રદેશ અધ્યક્ષના આ બયાને નિમિષાબેન સામેની આદિવાસી સમાજ દ્વારા ચાલતી લડતમાં બળતામાં ઘી હોમવાનું કામ કરતા આદિવાસી સમાજમાં જશવંતસિંહ ભાભોર સામે પણ ભારે રોષ ભભૂકી ઉઠયો છે અને તેરોષ પ્રગટ કરવાના તાત્પર્ય થી આદિવાસી સમાજના કાર્યકરો દ્વારા આજે મુવાલીયા ચોકડી હાઈવે પર રાજ્યના આદિજાતિ મંત્રી નિમિષાબેન સુથાર તથા દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના પૂતળાનું ભાજપ વિરોધી સૂત્રોચાર સાથે દહન કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.