શિમલા-

હિમાચલ પ્રદેશમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન આવી રહ્યાં હોવાની વાતથી જ લોકો દંગ રહી ગયા હતા. આ મામલે શિમલા પોલીસે તપાસ હાથ ધરી અને જે ખુલાસો થયો તેને લઈને હડકંપ મચી ગયો હતો. આ મામલે તપાસ કરવામાં આવી તો એક કૌભાંડ સામે આવ્યું હતું જેની તપાસ હથ ધરવામાં આવી છે. કોરોના મહામારીના કેસોમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને હિમાચલ પ્રદેશની સરકારે રાજ્યમાં પ્રવેશવા માટે ૨૭ એપ્રિલથી ઈ-પાસ અનિવાર્ય બનાવી દીધું હતું. હિમાચલ પ્રદેશના શિમલાને લઈને સૌકોઈને ભારે આકર્ષણ હોય છે જેથી બચ્ચન અને ટ્રમ્પ જેવી નામચીન હસ્તીઓના નામે કોઈ ગેરરીતિ આચરીને બનાવટી ઈ-પાસ પોતાના નામના બનાવી લીધા હતાં.

સોશિયલ મીડિયા પર આ બાબતેની જાણકારી આપતા હિમાચલ પ્રદેશ પોલીસે જણાવ્યું હ્‌તું કે, શિમલા પોલીસ આ મામલે કેસ નોંધી ચુકી છે અને તેમને બનાવટી ઈ-પાસ બનાવવાની જાણકારી મળી છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ટ્રમ્પ અને અમિતાભના નામે બે પાસ -૨૫૬૩૮૨૫ અને -૨૫૬૩૨૮૭ જારી કરી દેવામાં આવ્યા હતાં. આ બાબતેની ઈન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજી વિભાગની ફરિયાદ પર આ મામલે શિમલા ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસે કહ્યું હતું કે, બંને પાસ એક જ મોબાઈલ નંબર અને આધાર નંબર પર જારી કરવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખી રાજ્યમાં પ્રવેશવા માટે ૨૭ એપ્રિલથી ઈ-પાસ અનિવાર્ય બનાવવામાં આવ્યું હતું.