વોશિંગ્ટન, તા. ૧૧ 

અમેરીકાના વિદાયમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે.૨૦મી જાન્યુઆરીએ હવે નવા ચૂંટાયેલા ડેમોક્રેટીક પક્ષના જાે બાયડેન રાષ્ટ્રના નવા પ્રમુખ તરીકે સોગંદ લેવાના છે ત્યારે, એમના કાર્યકાળ આડે આમ તો માત્ર ૯ જ દિવસ રહ્યા છે, પરંતુ તેમની હરકતોથી ખાસ કરીને અમેરીકી રાજકીય જગત જે રીતે ચોંકી ગયું છે, એ જાેતાં ટ્રમ્પની સામે હજી વધારે પગલાં લેવામાં આવી શકે છે.

પ્રતિનિધિગૃહ યાને એચઓઆર નેન્સી પેલોસીએ રવિવારે એ બાબત પર મંજૂરી આપી દીધી છે કે, ટ્રમ્પ પર મહાભિયોગ લાવી શકાય. ટ્રમ્પ પર એવો આરોપ છે કે, તેમણે ૭મી જાન્યુઆરીએ તેમના સમર્થકોને ભડકાવ્યા જેને લીધે અમેરીકી સંસદ કેપિટલ હિલ ખાતે થયેલી હિંસામાં પાંચના મોત થઈ ગયા હતા. એક અખબારે હેવાલ આપ્યો છે કે, પેલોસીએ કહ્યું હતું કે, હિંસાને પગલે હવે ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સીની એ જવાબદારી બને છે કે, તેઓ અમેરીકી બંધારણના ૨૫મી કલમના સુધારાનો ઉપયોગ કરીને ટ્રમ્પને પદભ્રષ્ટ કરે. ડેમોક્રેટ્‌સને લખેલા પત્રમાં તેમણે લખ્યું હતું કે, જાે પેન્સી આમ ન કરે તો, મહાભિયોગ પ્રસ્તાવ પર સંસદમાં વોટીંગ થશે. જાે આમ થશે તો, અમેરીકી સંસદમાં પોતાના કાર્યકાળ દરમિયાન બે-બે વાર મહાભિયોગ પ્રસ્તાવનો સામનો કરનારા ટ્રમ્પ પહેલા રાષ્ટ્રપતિ બનશે.

પેલોસીએ પત્રમાં લખ્યું હતું કે, આપણા પર લોકતંત્ર અને સંવિધાન એમ બંનેને બચાવવાની જવાબદારી છે, તેથી આપણે તરત પગલાં લેવા પડશે. રાષ્ટ્રપતિથી આ બંનેને ખતરો છે. જેમ જેમ દિવસો જશે તેમ તેમ તેમના દ્વારા આ બંનેને નુકસાન થવાની ભીતી વધતી જશે. સત્તાના હસ્તાંતરણ બાબતે ડેમોક્રેટીક અને રીપબ્લીકન વચ્ચે વિવાદ થયો હતો અને ખુદ રીપબ્લીકન પક્ષમાં ૧૦૦ જેટલા સાંસદો એવા છે, જેમણે પોતાના પક્ષના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જ હિંસા ભડકાવવા માટે જવાબદાર ગણાવ્યા હતા.